નવી દિલ્હી,તા. ૧૦
સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા અને હિમાચલના કેટલાક ભાગોમાં ધુમ્મસની સ્થિતી રહેલી છે. ધુમ્મસની સ્થિતી વચ્ચે ભારતીય રેલવે દ્વારા ૨૨ ટ્રેનો રદ કરવામાં આવી છે. આઠ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. શ્રીનગરમાં રાત્રી તાપમાન ઘટીને માઇનસ ૬.૨ ડિગ્રી થઇ ગયુ છે. હિમાચલપ્રદેશમાં પણ લોકોની હાલત કફોડી બનેલી છે. પહાડી વિસ્તારોમાં તાપમાન માઇનસ ૧૩ અને માઇનસ ૨૦ ડિગ્રી થયુ છે. રાજસ્થાનમાં પણ હાલત કફોડી બનેલી છે. માઉન્ટ આબુમાં તાપમાન બે ડિગ્રી થયુ છે. કાશ્મીર હાલમાં ૪૦ દિવસના સૌથી ઠંડીના ગાળા ચિલાઈકાલનમાંથી પસાર થઇ રહ્યું છે. આ ગાળો ૩૧મી જાન્યુઆરીના દિવસે પૂર્ણ થશે. બીજી બાજુ મેદાનની ભાગોમાં પણ હાલત કફોડી છે. હરિયાણાના નારનોલમાં ૦.૨ ડિગ્રી તાપમાન થયું છે. સ્કૂલ કોલેજોને બંધ રાખવાની ફરજ પડી છે. ઉત્તર પ્રદેશમાં વધુ બેના મોત થયા છે. આની સાથે જ મોતનો આંકડો ૧૨૫થી ઉપર પહોંચ્યો છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ધુમ્મસની ચાદર છવાયેલી છે. દેશના જુદા જુદા ભાગોમાં કાતિલ ઠંડીની સાથે સાથે તીવ્ર ધુમ્મસની ચાદર હાલમાં છવાયેલી છે. આના કારણે દિલ્હી અને એનસીઆરમાં લોકોની હાલત કફોડી બનેલી છે. દિલ્હીથી ચાલતી અનેક ટ્રેનો લેટ થઇ છે. જ્યારે અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણામાં પણ લોકોની હાલત કફોડી બનેલી છે. ઉત્તર ભારતમાં શીત લહેર છે.કાશ્મીરમાં ગુલમર્ગ, પહેલગામ, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં પણ હિમવર્ષા થઇ છે. ઉત્તર પ્રદેશમાં કાતિલ ઠંડીના કારણે ગઇકાલે ૭૦ના મોત થયા બાદ વધુ ચાર લોકોના મોત થયા હોવાના અહેવાલ મળ્યા છે. જો કે, આને હજુ સુધી સમર્થન મળ્યું નથી. કાશ્મીરમાં હજુ વર્ષા અને હિમવર્ષા થઇ રહી છે. આ મહિનાની શરૂઆતથી સતત છવાયેલા રહેલા ધુમ્મસના પગલે વાહન વ્યવહાર ઉપર તેની ગંભીર અસરો જોવા મળી છે.બાજુ જમ્મુ કાશ્મીર અને હિમાચલપ્રદેશમાં મોટા ભાગના વિસ્તારોમાં માઇનસમાં તાપમાન છે. કાશ્મીર ખીણમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાયું છે. પાણીના મોટાભાગના સોર્સ પર બરફ જામી ગઈ છે જેમાં દાલ લેક સરોવરનો સમાવેશ થાય છે. શ્રીનગરમાં માઇનસ ૬ ડિગ્રી તાપમાન થયું છે. કારગિલમાં માઇનસ ૨૩.૬ અને લેહમાં માઇનસ ૧૭.૪ ડિગ્રી તાપમાન રહ્યું છે. રાજસ્થાનના વિવિધ ભાગો પણ ઠંડીના સકંજામાં છે. ભીલવાડા, ચુરુ, અલવર, શિકર, પિલાની જિલ્લામાં હાલત કફોડી બનેલ છે. અલવરમાં ૦.૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે. શિકરમાં ૧.૫ અને માઉન્ટ આબૂ તથા ચુરુમાં બે ડિગ્રી તાપમાન થયું છે. શ્રીગંગાનગરમાં ૨.૨ ડિગ્રી તાપમાન થયું છે. હિમાચલમાં મોટાભાગના વિસ્તારોમાં માઇનસમાં તાપમાન છે.