(એજન્સી) જયપુર, તા. ૧૫
ભાજપમાં જોડાવા જઇ રહ્યા નથી તેવો મીડિયા સમક્ષ સચિન પાયલટે ખુલાસો કર્યાના કલાકોમાં જ બળવા માટે પડકાર સાથે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, સચિન પાયલટ હરિયાણામાં ભાજપની મહેમાનગતિ માણવાનું તાત્કાલિક બંધ કરે. સચિન પાયલટે પોતાની ભૂલ સ્વીકારી ઘરે પરત ફરવું જોઇએ. રવિવારે સચિન પાયલટે બળવો પોકાર્યો ત્યારથી તેમના વિશ્વાસુ ધારાસભ્યો દિલ્હી નજીક ગુરગાંવની બે હોટેલોમાં રોકાયા હતા. કોંગ્રેસે ભાજપ પર આ ધારાસભ્યોને નાણા તથા પદની લાલચ આપવાનો આરોપ લગાવ્યો છે. સચિન પાયલટે કહ્યું હતું કે, ગાંધી પરિવાર સામે મારી છબિ ખરડવા માટે મારા ભાજપમાં જોડાવાની અફવાઓ કેટલાક લોકો ફેલાવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, હું હજુ પણ કોંગ્રેસી જ છું. બીજી તરફ મુખ્યમંત્રી અશોક ગેહલોતે સચિન પાયલટ પર નિશાન સાધતા કહ્યું હતું કે, તેઓ હજુ પણ સત્તામાં છે. બીજી તરફ ભાજપે કહ્યું છે કે, ફ્લોર ટેસ્ટ કરાવવાની અત્યારે જરૂર લાગતી નથી.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. સમાધાનની વાતો વચ્ચે કોંગ્રેસે સચિન પાયલટને કડકાઇ સાથે સંદેશ મોકલ્યો છે. કોંગ્રેસના નેતા રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે, અમે સચિન પાયલટના એ નિવેદનને સાંભળ્યું છે કે, તેઓ ભાજપમાં જોડાઇ રહ્યા નથી. જો તમે ભાજપમાં જોડાવાના નથી તો તાત્કાલિક હરિયાણામાં ભાજપની સરકારની મહેમાનગતિને માણવાનું બંધ કરો અને બે હોટેલોમાં ભાજપની સુરક્ષામાં રખાયેલા ધારાસભ્યોને મુક્ત કરો. ભાજપ સાથે મંત્રણા કરવાનું બંધ કરો.
૨. પાર્ટીની અવગણના કરનારા સચિન પાયલટ સુધી કઇ રીતે પહોંચાશે તેનો ખુલાસો કરતા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે, પરિવાર પરત ફરનારાઓનું હંમેશા સ્વાગત કરે છે. પરિવારમાં પાછા ફરો અને જયપુર પરત આવો. તમારી સાચું બલિદાન અને કટિબદ્ધતા દેખાડો.
૩. બુધવારે સવારે રાજસ્થાન વિધાનસભાના સ્પીકરે બળવાખોર ધારાસભ્યોને વિધાન પરિષદની બેઠકની અવગણના કરવા બદલ નોટિસ ફટકારી હતી અને શુક્રવાર સુધી જવાબ આપવા કહ્યું છે. પાયલટને મંગળવારે નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસના અધ્યક્ષ પદેથી છૂટા કરી દેવાયા હતા. સાથે જ તેમના બે વિશ્વાસુ મંત્રીઓને પણ કાઢી મુકાયા હતા.
૪. સચિન પાયલટે બુધવારે ફરીવાર જણાવ્યું હતું કે, તેઓ ક્યારેય ભાજપમાં જોડાવા જઇ રહ્યા નથી અને કોંગ્રેસમાં જ છે. હું સ્પષ્ટતા કરૂં છું કે, ભાજપમાં જોડાઇ રહ્યો નથી. ગાંધીઓની આંખમાં મારી છબિ ખરડવા માટે ભાજપ સાથે સંબંધો દેખાડાય છે.
૫. બળવાખોર ધારાસભ્યોમાંથી એક વિશ્વેન્દ્રસિંહે કહ્યું હતું કે, સ્પીકરે ઇમેલ દ્વારા અમને નોટિસ મોકલી છે. પરંતુ અમે તો હજુ કોંગ્રેસમાં જ છીએ જેથી ચિંતા થાય છે. અન્ય ધારાસભ્યો ગજેન્દ્રસિંહ શેખાવતે નોટિસ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. તેમની પત્નીએ નોટિસ સ્વીકારવાનો ઇન્કાર કરતા તેમના ઘરની બહાર નોટિસ લગાવાઇ હોવાનો વીડિયો સામે આવ્યો છે.
૬. સૂત્રો અનુસાર પાયલટ બીજા પક્ષમાં જોડાશે નહીં અને તેઓ કોંગ્રેસ નેતાગીરી સાથે છે પરંતુ યોગ્ય સમય આવે ત્યારે વાત કરશે. જોકે, મુખ્યમંત્રી પદની કોઇ ચર્ચા થઇ નથી, સૂત્રોએ એમ કહેતા ઉમેર્યું કે, પાર્ટી કઇ સગવડો આપશે તેવા સમયનીરાહ જોવાનું સચિન પાયલટ અને બળવાખોર ધારાસભ્યોએ નક્કી કર્યું છે.
૭. રાજસ્થાનમાં સત્તા મેળવવા માટે ૭૩ સભ્યોવાળા ભાજપે હજુ ૩૫ ધારાસભ્યો ભેગા કરવા પડે. પરંતુ મંગળવારે ફ્લોર ટેસ્ટની વાતો કરનારી પાર્ટીએ પોતાની નીતિ બદલી છે. વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયાએ કહ્યું છે કે, અમને અત્યારે તેની જરૂર લાગતી નથી. જરૂર લાગશે અને પાર્ટીની બેઠક થશે ત્યારે કોઇ નિર્ણય લેવાશે.
૮. મુખ્યમંત્રી અશોક ગેહલોત છાવણીએ ૧૦૬ ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે જે ૨૦૦ સભ્યોની વિધાનસભામાં પૂરતી બહુમતી છે. સૂત્રોએ એમ પણ કહ્યું કે, બળવાખોરો પરત ફરવા માગે છે.
૯. સચિન પાયલટના બળવા પહેલા કોંગ્રેસના ૧૦૭ ધારાસભ્યો હતા અને અન્ય ૧૩ અપક્ષ તથા નાની પાર્ટીઓના પાંચ સભ્યો મળીને ૧૨૨ સભ્યો હતા.
૧૦. અશોક ગેહલોતે સોમવારે બળવા પછી પોતાના તમામ ધારાસભ્યોને રિસોર્ટમાં શિફ્ટ કર્યા હતા અને ત્યાંથી પોલીસ કાફલા સાથે ધારાસભ્યોને પોતાને નિવાસે બેઠક માટે લવાયા હતા.

મોંઢામાં આવેલો કોળિયો ઝૂંટવાઇ જતાં હતાશ ભાજપ બેકફૂટ પર

રાજસ્થાન ભાજપે બુધવારે સ્પષ્ટતા કરી હતી કે, પાર્ટી હાલ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવશે કેમ કે, કોંગ્રેસમાં ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેનો તણાવ ઓછો થતો દેખાઇ રહ્યો છે. ભાજપને પણ એવું લાગે છે કે, મોઢામાં આવેલો કોળિયો ઝૂંટવાઇ રહ્યો હોવાથી આગળ વધવાનું ટાળવું જોઇએ. મુખ્યમંત્રીના સૂત્રોએ કહ્યું છે કે, તેમની પાસે અત્યારે ૧૦૬ ધારાસભ્યો છે જે બહુમતીના આંકડાથી વધુ છે. રાજસ્થાનમાં વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયાએ જણાવ્યું છે કે, બહુમત પરિક્ષણની હાલ કોઇ જરૂર જણાતી નથી. જો તેની જરૂર પડશે તો પાર્ટી મળીને કોઇ નિર્ણય કરશે. તેમણે કહ્યું કે, હાલ અમે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવીશું.