(એજન્સી)
નવી દિલ્હી, તા. ૧૬
બોલિવૂડના શ્રેષ્ઠ કલાકારોમાંના એક સુશાંત સિંહ રાજપૂતે રવિવારે આત્મહત્યા કરી લીધી. તેણે તેના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે હતાશાથી ઝઝૂમી રહ્યો હતો, ત્યારબાદ તેણે આવું પગલું ભર્યું હતું. સુશાંતના મૃત્યુ પછી ફરી એકવાર હતાશાનો મુદ્દો ઉભો થયો છે. માનસિક સ્વાસ્થ્યની વાત કરવામાં આવી રહી છે ત્યારે ૨૦૦૭માં ભારતને પ્રથમ ટી ૨૦ વર્લ્ડ કપ જીતવામાં મદદરૂપ બનનાર રોબિન ઉથપ્પા પણ સુશાંતના સમાચારથી ચોંકી ગયા હતા. રોબિન ઉથપ્પા, જે પોતે બે વર્ષથી ડિપ્રેશનથી પીડાઈ રહ્યો હતો, તેણે થોડા સમય પહેલા ખુલાસો કર્યો હતો કે તેને બાલ્કીમાંથી કૂદીને આત્મહત્યા કરવાના વિચાર આવતા હતા. સુશાંતના મૃત્યુ અંગે ઉથપ્પાએ કહ્યું કે તે સમજણથી બહાર અને આશ્ચર્યજનક છે. રોબિન ઉથપ્પાએ કહ્યું કે, જો તમે સારું ફીલ નથી કરી રહ્યાં તો તે કોઈ ખરાબ વસ્તુ નથી. તે મહત્વપૂર્ણ છે કે આપણે આપણી અંદર શું ચાલી રહ્યું છે તે વિશે વાત કરીએ. આપણે જે અનુભવીએ છીએ તે વિશે વાત કરવાની જરૂર છે. આપણે જે વિચારીએ છીએ તેના કરતાં આપણે વધુ મજબૂત છીએ. જોે તમે બરાબર ન હોવ તો પણ વાંધો નથી. થોડા સમય પહેલાં જ, રોબિન ઉથપ્પાએ ખુલાસો કર્યો હતો કે ૨૦૦૯ થી ૨૦૧૧ ની વચ્ચે તેણે આત્મહત્યાના વિચારો સાથે સંઘર્ષ કર્યો હતો અને તે સમયે ક્રિકેટ એકમાત્ર કારણ હતું જેના કારણે તેમને બાલ્કનીમાંથી કૂદી નહોતા શક્યા. તેણે કહ્યું કે તે મુશ્કેલ સમયમાં, તે વિચારતો હતો કે દોડીને બાલ્કનીમાંથી કૂદીશ. આ પછી, તેણે ડાયરી લખવાનું શરૂ કર્યું અને પોતાને એક માણસ તરીકે સમજવા લાગ્યો. બાહ્ય સહાય પણ લીધી, જેથી આપણે જીવનમાં પરિવર્તન લાવી શકીએ.