(એજન્સી) મુંબઇ તા.૯
શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે પોતાના સાથી પક્ષ ભાજપને મહારાષ્ટ્ર સરકારમાંથી રાજીનામંુ આપવા અને મધ્યસત્ર ચૂંટણી યોજવા પડકાર ફેંક્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં શાસક પક્ષના સહયોગી પક્ષ શિવસેના કેન્દ્રમાંં પણ એનડીએ સરકારના ભાગરુપ છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે તંગ સબંધો છે.
ઉદ્ધવ ઠાકરેએ નાંદેડ ખાતે એક રેલીને સંબોધતા જણાવ્યું હતું કે હું આપને પડકાર ફેંકું છું કે સરકારમાંથી રાજીનામું આપો અને પછી ચૂંટણી કરાવો. અમે તમને શિવસેનાની પણ તાકાત બતાવીશંુ. તેમણે જણાવ્યું હતું કે મોદી લહેર દરમિયાન શિવસેનાના નામે વોટ્‌સ મળ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની મુલાકાત પર પણ કટાક્ષ કર્યો હતો. તેમણે પૂછ્યંુ હતું કે આજે હું ટીવી પર સમાચાર જોતો હતો. વડાપ્રધાનને બે મહિના બાદ યોજાનારી ગુજરાતની ચૂંટણી માટે પ્રચાર કરતા જોયા હતા. આજે તેમને એકાએક પોતાની શાળા કઇ રીતે યાદ આવી ગઇ. શું તેમનોે કોઇ દિવસ શાળાએ જવાનો વિચાર આવ્યો ન હતો ? આ પહેલા તેમને પોતાની શાળામાં જવાનું મન થયું ન હતું. ચૂંટણી પહેલાં જ કેમ ? અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન બન્યા બાદ મોદીએ પ્રથમ વખત મોદીએ પોતાના વતન અને જન્મસ્થળ વડનગરની મુલાકાત લીધી હતી. તેમણે શાળાની પણ મુલાકાત લીધી હતી. ઠાકરેએ જણાવ્યું હતું કે લોકો સોશિયલ મીડિયા પર એવા જોક્સ ચલાવી રહ્યા છે કે ભારતના વડાપ્રધાન હવે ટૂંક સમયમાં ભારતનો પ્રવાસ કરશે. તેમનો ઇશારો મોદીના વિદેશ પ્રવાસ તરફ હતો.