(એજન્સી) તા.૧૮
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે અહીં રાજ્ય વિધાન પરિષદના સભ્ય તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે જ તેઓ ૨૮ મે પછી પણ મુખ્યપ્રધાન પદે ચાલુ રહી શકશે. ૫૯ વર્ષીય ઠાકરેને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. એમની સામે કોઈ પણ પાર્ટીએ પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો નહોતો. ઉદ્ધવ ઠાકરે વિધાનસભા કે વિધાન પરિષદ, એમ વિધાનમંડળના બેઉમાંથી એકેય ગૃહના સભ્ય નહોતા એટલે બંધારણ અનુસાર એમણે મુખ્યપ્રધાન પદ સંભાળ્યાના છ મહિનામાં એટલે કે ૨૮ મે સુધીમાં બેમાંથી કોઈ પણ એક ગૃહના સભ્ય બનવાનું ફરજિયાત હતું. ઠાકરેએ ગયા વર્ષની ૨૮ નવેમ્બરે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો.
ઠાકરેને રાજ્યના ગવર્નર ભગતસિંગ કોશિયારી એમના ક્વોટામાંથી વિધાન પરિષદની સીટ ફાળવે એવી રાજ્યના પ્રધાનમંડળે ગવર્નરને ભલામણ કરી હતી પણ શરૂઆતમાં એ માન્યા નહોતા. બાદમાં ઉદ્ધવ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આ મુદ્દે ફોન પર વાતચીત થઈ હતી અને આખરે કોશિયારીએ ચૂંટણી યોજવાની ચૂંટણી પંચને ભલામણ કરી હતી. પરંતુ, ચૂંટણી પંચે કોરોના વાયરસના ફેલાવાને કારણે ચૂંટણી યોજવાની ના પાડી દીધી હતી. આખરે, ચૂંટણી યોજાઈ નહીં અને વિધાન પરિષદની તમામ ૯ બેઠકો માટેના ઉમેદવારોને પણ બિનહરીફ વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા છે. ઉદ્ધવની સાથે અન્ય ૮ ઉમેદવારોએ પણ આજે વિધાન પરિષદના સભ્ય તરીકે શપથ લીધા હતા.