પોતાની ઓફિસ પર તવાઇ આવતા મુખ્યમંત્રીના બંધારણીય પદનું માન પણ ચૂકી

રાજકીય આકાઓની નિગરાનીમાં રાચતી કંગનાએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને બાબર જ્યારે પોતાની ઓફિસને રામ મંદિર સાથે સરખાવીને કહ્યું- મારૂં રામ મંદિર તોડવા આવેલા બાબર યાદ રાખજે એક દિવસ તારું ઘમંડ તૂટશે, આ સમયનું ચક્ર છે અને હંમેશા એક જેવું રહેતું નથી, પહેલાં તો રામ મંદિર પર ફિલ્મ બનાવવાની હતી પણ હવે કાશ્મીર પર પણ ફિલ્મ બનાવીશ

(એજન્સી)                     મુંબઇ, તા. ૯

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસનો વિવાદ હવે કંગના રાણાવત વિરૂદ્ધ મહારાષ્ટ્ર સરકારનો થઇ ગયો હોય તેમ એકબીજા પર આરોપ લગાવતા સમયે કંગના આજે ભાન ભૂલી ગઇ હતી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને તુચ્છકારજનક શબ્દો કહી દીધા હતા. મુંબઇમાં પોતાની ઓફિસ પર કાર્યવાહી કરવાના બીએમસીના નિર્ણય બાદ તેણે વીડિયો જારી કર્યો હતો અને કહ્યું કે, ‘‘ઉદ્ધવ ઠાકરે તુઝે ક્યા લગતા હૈ’’ કે તું માફીયાઓ સાથે મળીને મારા ઘરને તોડી નાખશે અને મારાથી બદલો લેશે ? આજે મારૂં ઘર તુટ્યું છે અને આવતીકાલે તારો ઘમંડ તૂટશે.’’ પાલિ હિલ્સમાં આવેલી ઓફિસના કેટલાક બાંધકામને ગેરકાયદે ગણાવી બીએમસીએ કાર્યવાહી કરવાની કવાયત હાથ ધરતાં અભિનેત્રીએ ચેતવણીભર્યા સૂરમાં કહ્યું કે, ‘‘યાદ રાખો આ સમયનો ચક્ર છે અને તે દરેક વખતે એકજેવો રહેતો નથી. જોકે, બોમ્બે હાઇકોર્ટે તોડફોડની કામગીરી પર રોક મુકી દીધી હતી અને બીએમસીને નોટિસ ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે, બીએમસી પણ શિવસેનાના તાબા હેઠળ આવે છે.

કેટલાક વીડિયોમાં એવું પણ બતાવાયું હતું કે, તેની ઓફિસ નજીક બુલ્ડોઝર ઊભા હતા જ્યારે કંગના પણ સુરક્ષા સાથે કેટલાક મહિના પછી મુંબઇ પાછી ફરી હતી. પોતાના વીડિયોમાાં કંગનાએ કાશ્મીરી પંડિતો અંગે ફિલ્મ બનાવવાની વાત પણ કરી હતી અને કહ્યું કે, આજે મને સમજાયું કે, તેમણે કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હશે. તમે મારા માટે સારૂં કર્યું. મને ખબર હતી કે, કાશ્મીરી પંડિતો કેવી રીતે ગયા હતા પરંતુ આજે તેનો અહેસાસ થયો. હું દેશને કહું છું કે, હું માત્ર અયોધ્યા જ નહીં પરંતુ કાશ્મીર પર પણ ફિલ્મ બનાવીશ. તેણે વીડિયોમાં એમ પણ કહ્યું કે, આ બધું થશે તેની મને ખબર હતી. આનો કાંઇ અર્થ છે. ઉદ્ધવ ઠાકરે, મારી સાથે જે બર્બરતા અને આતંક થયો છે તે સારૂં છે. કારણ કે તેનો કાંઇ અર્થ છે. જય હિંદ, જય મહારાષ્ટ્ર. કંગના રાણાવતે મુંબઇ આવતા પહેલા પોતાના વીડિયોમાં ઉદ્ધવ ઠાકરે સરકારની સરખામણી મુઘલ સમ્રાટ બાબર સાથે કરી હતી. સાથે જ તેણે કહ્યું કે, મારી ઓફિસને જો તોડી પાડવામાં આવશે તો રામ મંદિરની જેમ જ તે જ સ્થાને ફરીથી ઓફિસનું નિર્માણ થશે. તેણે ટિ્‌વટમાં લખ્યું કે, ‘મણિકર્ણિકા ફિલ્મમાં પ્રથમ ફિલ્મ અયોધ્યાની ઘોષણા થઇ, આ મારા માટે એક ઇમારત નહીં પરંતુ રામ મંદિર છે. આજે અહીં બાબર આવ્યો છે આજે ઇતિહાસ ફરી પોતાનું પુનરાવર્તન કરશે, રામ મંદિર ફરી તૂટશે પરંતુ યાદ રાખ બાબર, આ મંદિર ફરી બનશે, જય શ્રીરામ.’’ તેણે અહીં એવું પણ કહ્યું કે, આ બાબરની સેના છે અને મુંબઇ પીઓકે બની ગયું છે.