(સંવાદદાતા દ્વારામ) ગાંધીનગર,તા. ૭
ગુજરાત સરકારના ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સ(જીએસટી) ડિપાર્ટમેન્ટ દ્વારા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સંયુકત ઉપક્રમે આજે જીએસટી અને ઇ-વે બીલ વિષય પર બહુ મહત્વના પોસ્ટ બજેટ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય કમિશનર ઓફ સ્ટેટ ટેકસ, ગુજરાત ડો.પી.ડી.વાઘેલાએ ઉપસ્થિત વેપાર-ઉદ્યોગજગતના અગ્રણીઓને સંબોધન કરી બહુ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડયું હતું. ડો.પી.ડી.વાઘેલાએ વેપારીઓ, ઉદ્યોગકારોને જીએસટી અને ઇ-વે બીલને લઇ હૈયાધારણ આપી હતી કે, તેમાં જે કોઇ કચાશ કે સમસ્યા બાકી રહી ગયા છે, તે નજીકના ભવિષ્યમાં જ નિરાકરણ થઇ જશે. જીએસટી પણ ત્રણ ચાર-મહિનામાં સરળ થઇ જાય તેવું આયોજન ચાલી રહ્યું છે. ખાસ કરીને જીએસટી રિટર્ન હજુ વધુ સરળ બનાવાશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, વેપાર-ઉદ્યોગમાં ઇન્ટરસ્ટેટમાં માલની ખરીદ કે લે-વેચ પર ઇ-વે બીલની જે સીસ્ટમ લાગુ કરવાની વાત ચાલી રહી છે, તેમાં ગુજરાત સરકારે તા.૨૦મી ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે પરંતુ જીએસટી ઇમ્પ્લીમેન્ટેશન કમીટીએ તેને સસ્પેન્ડ રાખતાં હવે આખરી નિર્ણય કેન્દ્ર સરકાર જ લેશે. ઇ-વે બીલને લઇ પ્રવર્તતી અનિશ્ચિતતા અંગે ડૉ. વાઘેલાએ સ્પષ્ટ કરી દીધું હતું કે, ઇ-વે બીલ કયારથી લાગુ કરવું તે કેન્દ્ર સરકાર જ નક્કી કરશે અને ત્યારથી તેનો અમલ થશે. સાથે સાથે તેમણે એવી હૈયાધારણ પણ આપી હતી કે, ઇ-વે બીલની નવી સીસ્ટમથી વેપારીઓ કે ઉદ્યોગકારોએ ડરવાની સહેજપણ જરૂર નથી, તેમાં કોઇપણ નવી સમસ્યાઓ કે પ્રશ્નો ઉદ્‌ભવશે તો, તેના નિરાકરણ માટે પૂરતો સાથ સહકાર આપીશું. તેમણે ભવિષ્યમાં વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે ઇ-વોલેટ સીસ્ટમ લાગુ કરવાની પણ વાત કરી હતી અને જણાવ્યું હતું કે, જે લોકો એક્ષ્પોર્ટ કરતા હોય તેમના ખાતામાં નોશનલ એમાઉન્ટ મૂકી દેવાની રહેશે, જેમાંથી તેઓ રફ મીટીરીયલ્સ કે કાચો માલ ખરીદી પછી તેના મારફતે પ્રોડકશન કરી એક્ષ્પોર્ટ કરે ત્યારે તેની ગણતરી કરી તે મુજબ ટેક્સ વસૂલી રિફંડ આપવાની થતી રકમ પાછી તેમના ખાતામાં જ એટલે કે, ઇ વોલેટમાં જમા કરી દેવાશે. એટલે કે, વેપારી-ઉદ્યોગકારે અલગથી પૈસા કાઢવા નહી પડે, ઇ-વોલેટ મારફતે જ વ્યવહાર થશે. તેમણે એક્ષ્પોર્ટમાં આઇજીએસટી(ઇન્ટીગ્રેટેડ જીએસટી)ના અટવાયેલા રિફંડ મુદ્દે મહત્વની સ્પષ્ટતાં કરતાં જણાવ્યું હતું કે, અમે ચીફ કમિશનર કસ્ટમ્સ અને એક્સાઇઝ સાથે બેઠક યોજી ઇનપુટના રિફંડ તો કલીયર કરી દીધા છે પરંતુ એક્ષ્પોર્ટમાં આઇજીએસટીના રિફંડ અટવાયા છે. તેનું એક કારણ એ પણ છે કે, આશરે ૮૫૦૦ જેટલી ઓનલાઇન અરજીઓ આ રિફંડ માટે આવી છે, જેમાં ફીઝીકલ અરજીઓ માત્ર ૧૩૦૦થી ૧૪૦૦ જ છે. આમ બાકીની ૫૬૦૦ જેટલી અરજીઓ ફીઝીકલ કોપી વિનાની અથવા દસ્તાવેજો વગરની છે. તેથી તેમણે સંબંધિત તમામ વેપારીઓ-ઉદ્યોગકારોને તાત્કાલિક ડિપાર્ટમેન્ટમાં ફીઝીકલ અરજી અને જરૂરી દસ્તાવેજો પૂરા પાડવા અનુરોધ કર્યો હતો કે, તેમણે એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે, એક્ષ્પોર્ટના રિફંડમાં સીસ્ટમનો જે પ્રોબ્લેમ છે, તેના નિવારણ અને ચર્ચા માટે તેઓ દિલ્હી જઇ રહ્યા છે. આ મુદ્દે ચર્ચા કરી તેનું પણ નિરાકરણ ઝડપથી લવાશે.