(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૪
શહેરના ઉધના વિસ્તારમાં સ્થાનિક યુવકે ભંગારના ગોડાઉનમાં કામ કરતા યુવાનને શરીરે ઉપરા-છાપરી ચપ્પુના ઘા ઝીંકી દેતા તે લોહીલુહાણ થઇ ઢળી પડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ઉધના હરિનગર-૧ની પાછળ આશાનગર ઝૂંપડપટ્ટીમાં ભંગારનું ગોડાઉન ધરાવતા ઉમરભાઇ બરકતભાઇ સૈયદને ત્યાં શેરસીંગ નામનો યુવાન કામ કરે છે. ગતરોજ યુવાન કામ પર હાજર હતો. ત્યારે ભરત શ્યામલાલ યાદવ (રહે. હરીનગર-૧ની પાછળ આશાનગર સામે ઝૂંપડપટ્ટી ઉધના સાથે કોઇ અગમ્ય કારણોસર બોલાચાલી થઇ હતી. જેથી બંને ભંગારના ગોડાઉનની સામે ઝઘડી પડ્યા હતા. બંને વચ્ચે મારામારી થતા ઉશ્કેરાયેલા ભરતે પોતાની પાસેની છરી વડે શેરસિંગને પેટ, છાતી, ગળાના ગંભીર ઘા મારી જીવલેણ હુમલો કરી જાનથી મારી નાંખવાની કોશિશ કરી હતી. જેથી આખરે શેરસિંગ લોહીલુહાણ થઇ ઢળી પડ્યો હતો. જેથી ઉમરભાઇએ તેને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. બનાવને પગલે આખરે ઉમરભાઇએ ઉધના પોલીસ મથકમાં ભરત સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.