(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૦
વહેલી સવારે ઘર બહાર પાણી રેડી સાફ સફાઈ કરતી માતાને ગાળો આપનાર પાડોશીને સ્વચ્છતા બાબતે સમજાવવા ગયેલા યુવાન દીકરાની છાતીમાં પાડોશીએ ચપ્પુ ઘૂસાડી ભાગી ગયો હતો.
શુક્રવારે સવાલે ઉધનાના મફતનગરમાં બનેલી આ ઘટના બાદ ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ની મદદથી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પોઇન્ટ ૫થી ૭ ઇંચ ઊંડો ફેફસા સુધીનો ઘા હોવાથી યુવાનને તાત્કાલિક ઓપરેશનમાં લેવાઈ તેવી સંભાવના તબીબોએ વ્યક્ત કરી હતી. સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઇજાગ્રસ્ત શિવમએ પાડોશીમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કરતા હુમલો કરાયો હોવાનો સુરતમાં પ્રથમ કિસ્સો બનતા ચર્ચાનો વિષય બન્યો છે. શિવમની માતા સુશીલાબેને જણાવ્યું હતું કે, આજે સવારે નોકરી પર જવાની તૈયારી કરતા શિવમે ઘર બહાર પાડોશીને સ્વચ્છતા બાબતે વાત કરતા જ તેની પર હુમલો કરી દેવાયો હતો. હુમલાખોર રાજેશ પાંડે ત્રણ મહિના પહેલા જ વતન યુપીમાં માતાનું માથું ફોડી સુરત આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. હુમલાખોર રાજેશે અગાઉ પણ બેથી ત્રણ જણા પર હુમલો કર્યો હતો. ૩ દિવસ પહેલા એક ૫ વર્ષના બાળકનું માથું ફોડી નાખ્યું હતું. તેમ છતાં પોલીસ કોઈ કામગીરી કરતી ન હોવાનો પરિવારે આરોપ મૂક્યો હતો.