(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૨
ઉધના અંબિકા સોસાયટીની પાછળ આવેલા એક કેમિકલના ગોડાઉનમાં નોકરી કરતો એક યુવક માલિકની જાણ બહાર રૂ.૧.૮૭ લાખથી વધુની મત્તાની ૩૦ નંગ પાવડરની ગુણો ચોરી લઇ અન્ય એકને વેચી નાંખી હોવાના પ્રકરણમાં પોલીસે ગણતરીના કલાકોમાં બંનેને ઝડપી પાડી પાંજરે પુર્યા છે.
પાલ ગૌરવ પથ રોડ ભારતી રેસિડેન્સીમાં રહેતા પ્રશાંતભાઇ જયવંત લોકરે ઉધના અંબિકા સોસાયટી દેના બેંકની પાછળ વિપ્રા કેમિકલ નામનું ગોડાઉન ધરાવે છે. ચાર મહિના પહેલાં તેમના ગોડાઉનનો ચાર્જ સંભાળતો અને ઉધનામાં રહેતો મઝર શેખે પ્રશાંતભાઇની ગેરહાજરીનો લાભ ઉઠાવ્યો હતો. ગોડાઉનમાંથી રૂ.૧.૮૭ લાખથી વધુની મત્તાની ૩૦ નંગ સોડીયમ અલ્જીનેટ પાવડરની ગુણો ચોરી લીધી હતી. ત્યારબાદ પ્રશાંતભાઇની જાણ બહાર ૨૪ ગુણો ઉન પેટ્રોલ પંપની પાસે નિલમ રો હાઉસમાં રહેતો મુસ્તાક ભટ્ટી નામના યુવકને વેચી દીધી હતી. અન્ય ૬ ગુણો મઝરે સંતાડી રાખી હતી. આ અંગે પ્રશાંતભાઇએ સ્ટોક ગણતા ૩૦ ગુણ ઓછી જણાતાં મઝરની ચોરી સામે આવી હતી. આ બનાવ સંદર્ભે પ્રશાંતભાઇએ ઉધના પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી બંને આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા. તે દરમ્યાન પોલીસે બાતમીના આધારે બંને આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પાંજરે પુર્યા છે.