ફાઈલ ફોટો

કેવલસિંહ રાઠોડ
દલિત એક્ટિવિસ્ટ

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો

(અલ્તાફ મુગલ)
કોડિનાર, તા.ર૩
ઉનાના મોટા સમઢિયાળા ગામના દલિત યુવાનો ઉપર થયેલા અમાનવીય અત્યાચારના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા બાદ ઉનાકાંડના પીડિતોને ગુજરાત સરકારે આપેલા ઠાલા વચનો પરિપૂર્ણ ન થતાં અને સરકારે વિધાનસભામાં કોઈ વચનો જ આપ્યા ન હોવાની જાહેરાત કરી પીડિતોની લાગણીને ઠેસ પહોંચાડી તેમની સાથે ખિલવાડ કરતા અને જાતિવાદને લીધે થયેલા ક્રૂરતાપૂર્વકના અત્યાચારોના કારણે ઉનાકાંડના ૮ પીડિતો સહિત અંદાજે ર૦૦૦ જેટલા દલિતો તા.ર૯ એપ્રિલના ભગવાન બુદ્ધ પૂર્ણિમાના દિવસે ઉનાના મોટા સમઢિયાળા ગામે ધર્માંતર કરી બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર છે.
આ અંગે “ગુજરાત ટુડે”ના પત્રકાર અલ્તાફ મુગલે ઉનાકાંડના પીડિત અને મુખ્ય ફરિયાદી વસરામ બાલુભાઈ સરવૈયા સાથે વાતચીત કરતાં વસરામભાઈએ તા.ર૯મી એપ્રિલે પોતાના પરિવારો અને મોટા-સમઢીયાળા ગામના ૧૦૦ જેટલા પરિવારી સહિત ર૦૦૦ જેટલા દલિતોએ ધર્મ પરિવર્તન કરવાનું જણાવ્યું હતું. ઉનાકાંડના પીડિત બાલુભાઈ સરવૈયા અને તેમના પરિવારજનો દ્વારા આયોજિત “ધમ્મ દિક્ષા” મહોત્સવમાં અલગ-અલગ ગામોના દલિતો બૌદ્ધ ધર્મ અંગીકાર કરશે.
જ્યારે આ અંગે દલિત સમાજ માટે આંદોલન ચલાવતા દલિત એક્ટિવીસ્ટ અને એડવોકેટ કેવલસિંહ રાઠોડે ભારે રોષપૂર્વક સરકાર અને જાતિવાદનો ઝંડો લઈને ચાલનારાઓની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી ઉચ્ચ જાતિના હિન્દુ લોકો દ્વારા જ હિન્દુઓ ઉપર અત્યાચાર થતાં હોવાનું અને આ લોકો શિડ્યુલ કાસ્ટના લોકોને હિન્દુ ગણતા જ ન હોય અને બ્રાહ્મણવાદી વિચારધારા અને જાતિ આધારિત અત્યાચારોના કારણે ત્રસ્ત થઈ પીડિત પરિવારો ધર્માંતર કરી રહ્યા હોવાનું જણાવી ગુજરાત સરકારે પણ ઉનાકાંંડના પીડિતો સાથે ધોકો કરી- તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઉનાકાંડના પીડિતોને પ એકર જમીન-સરકારી નોકરી- બીપીએલ કાર્ડ જેવા આપેલા વચનોમાંથી મુખ ફેરવી લઈ ગત દિવસોમાં વિધાનસભામાં સરકારે આવા કોઈ વચનો આપ્યા જ નથીની જાહેરાત કરી સરકારે મોટા ઉપાડે મીડિયા સમક્ષ આપેલા વચનોમાં ફરી જઈ પીડિતો સાથે ધોકાગરી કરી હોવાનો સણસણતો આક્ષેપ કેવલસિંહ રાઠોડે કર્યો હતો. તેમજ સંવિધાન યાત્રામાં ગાંધીનગર ખાતે ગુજરાતના ગવર્નરને સરકારે પીડિતોની માગણીઓ પૂરી ન કરી છેતરપિંડી કર્યાની રજૂઆત કરતાં ગર્વનરે પણ માત્ર ઠાલા આશ્વાસનો આપ્યા હોવાનું જણાવી ધર્માતર માટેની તમામ જરૂરી કાર્યવાહી થઈ ચૂકી હોવાનું અને ધર્મ પરિવર્તન માટે ર૦ માર્ચના રોજ કલેક્ટરની મંજૂરી પણ મેળવી લીધી હોવાનું અને આ કાર્યક્રમ જ્યાં ઉનાકાંડ સર્જાયો હતો તે મોટા સમઢીયાળા ગામના ઘટનાગ્રસ્ત સ્થળના બાજુના ખેતરમાં યોજવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.
દલિત એક્ટિવીસ્ટ અને હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતાં એડવોકેટ કેવલસિંહ રાઠોડે ધર્માંતર કરનારા ઉનાકાંડ આકોલવાડી કાંડ-સામતેર મર્ડર કેસ કાંડ મોઢા ગામ અને થાનગઢના દલિત પરિવારો વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી તા.ર૯/૪ના ધમ્મ દિક્ષા મહોત્સવના ઐતિહાસિક કાર્યક્રમમાં બસપા સુપ્રીમો માયાવતી-બાબાસાહેબના પૌત્રો પ્રકાશ રાવ આંબેડકર-રાજરત્ન આંબેડકર-પાટીદાર નેતા હાર્દિક પટેલ- એસ.સી./એસ.ટી.ના ધારાસભ્યો સહિત સમાજની સંસ્થાઓને આમંત્રણ અપાયું હોય ૧પથી ર૦ જેટલા લોકો આ કાર્યક્રમમાં હાજર રહેવાનો સંભાવના હોવાનું જણાવ્યું હતું.

ઉનાકાંડના ૮ પીડિતો પરિવારો સાથે ધર્માંતર કરશે
ઉના કાંડના કુલ ૮ પીડિતો જેમાં મોટા સમઢિયાળા ગામના બાલુભાઈ સરવૈયા તેમની ધર્મપત્ની કુંવરબેન-પુત્રો વસરામ અને રમેશ તેમજ અશોક સરવૈયા – બેચરભાઈ સરવૈયા અને બાજુના બેડિયા ગામના અરજણભાઈ બાબરિયા અને દેવસિંહભાઈ બાબરિયા આ પીડિતો પરિવાર સહિત ર૯/૪ના રોજ ધર્માંતર કરી બૌદ્ધ ધર્મ અંગીકાર કરશે.

અન્ય દલિત પીડિત પરિવારો પણ ધર્માંતર કરશે
તા.ર૯/૪ના મોટા સમઢિયાળા ગામે યોજાનારા ધર્મ પરિવર્તનના કાર્યક્રમમાં ઉનાના સામતેર ગામે-ર૦૧રમાં દલિત ભીમજીભાઈ ચૌહાણનું મર્ડર થયું હતું. આ પરિવાર સહિત સામંતભાઈ મહીડા ગામ થોરડીનો પરિવાર અને થાનગઢ કાંડના પીડિતો સહિત ગુજરાતભરમાંથી ર૦૦૦ જેટલા દલિતો ધર્માંતર કરશે.

આકોલવાડીમાં જીવતા સળગાવેલા યુવાનનો
પરિવાર પણ ધર્મ પરિવર્તન કરશે
દલિત એક્ટિવિસ્ટ કેવલસિંહ રાઠોડે આ અંગે જણાવ્યું હતું કે, તા.૧૩/૯/૧રના રોજ આકોલવાડી ગામે નરાધમો દ્વારા દલિત યુવાન લાલજીભાઈ કાળાભાઈ સરવૈયાને જીવતા સળગાવી નાંખવાની હિચકારી ઘટના ઘટી હતી. આ હિચકારી ઘટના બાદ મૃતક લાલજીભાઈનો પરિવાર આકોલવાડી ગામેથી ડરના માર્યા હિઝરત કરી હાલ દેલવાડા ગામે વસવાટ કરે છે તે લાલજીભાઈ પિતા કાળાભાઈ જેઠાભાઈ સરવૈયા પણ ર૯/૪ના રોજ પરિવાર સાથે ધર્મ પરિવર્તન કરી બૌદ્ધ ધર્મ અંગીકાર કરશે.

ધર્માંતર કરનારને ભારતીય બૌદ્ધ મહાસભા પ્રમાણપત્ર આપશે
ઉનાના મોટા સમઢીયાળા ગામે તા.ર૯/૪ના રોજ યોજાનારા કાર્યક્રમમાં ધર્માંતર કરી બૌદ્ધ ધર્મ અંગીકાર કરનારને ભારતીય બૌદ્ધ મહાસભા દ્વારા પ્રમાણપત્ર અપાશે. તેમજ આ કાર્યક્રમમાં દેશ-વિદેશ ધમ્મ મિત્રો-ભિક્ષઓ ભિક્ષણીઓ અને બૌદ્ધ સંસ્થાઓના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે.

મોઢા ગામના પર ખેડૂતો પણ ધર્માંતર કરશે
મોઢા ગામના પર દલિત ખેડૂતોની સાંથણીની જમીન જાતીભેદ રાખી શરત ભંગ કરી હડપ કર્યાના મુદ્દે આ ખેડૂતો તંત્ર સામે આમરણ ઉપવાસ પર બેઠા હતા તે તમામ પર ખેડૂતો ઉપરાંત મોઢા ગામે “બૌદ્ધ વિહાર” તોડી પાડી નાંખ્યાની ઘટનાના પીડિત સંજયભાઈ સોંદરવા પણ પરિવાર સાથે તા.ર૯/૪ના રોજ ધર્માંતર કરશે.

હિન્દુ હોવા છતાં હિન્દુ માનવામાં ન આવતાં ધર્માંતર કરવાની મંજૂરી મંગાઈ
ધર્મ પરિવર્તન કરવા માટે સરકારની મંજૂરી લેવી જરૂરી હોય ઉનાકાંડના પીડિત બાલુભાઈ સરવૈયાએ તા.ર૦/૩/૧૮ના ગાંધીનગર કલેક્ટરને ૪૦ લોકોના હસ્તાક્ષર સાથે પત્ર પાઠવી તા.૧૧/૭/૧૬ના તે ગોઝારા દિવસે દલિત સમાજ ઉપર થયેલ અત્યાચાર અને અન્યાયનો ભોગ બન્યા હોવાનું અને સમાજમાં નીચા બતાવી લાગણીઓ સાથે ચેડા કરી હિન્દુ હોવા છતાં દલિતોને હિન્દુ માનવામાં આવતા ન હોય તા.ર૯/૪/ના રોજ મોટા સમઢિયાળા ખાતે હજારોની સંખ્યામાં દલિતો બૌદ્ધ ધર્મ અંગીકાર કરી રહ્યા હોવાનું પત્રમાં જણાવ્યું હતું.