વેરાવળ, તા.૪
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉના ખાતે બીજા તબક્કામાં ગીર સોમનાથ જિલ્લાના ૧૦૯ ગામ માટે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવી કહ્યુ કે, ર૪ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ વડાપ્રધાન દ્વારા ગીર સોમનાથ જિલ્લાના ૧૪૩ ગામ માટે કિસાન સૂર્યોદય યોજના કાર્યરત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ બીજા તબક્કામાં રાજ્યના ૧૨ જિલ્લા અને ૬૪ તાલુકાના ૧૧૪૬ ગામનો સમાવેશ કરાયો છે. અગાઉ પ્રથમ તબક્કામાં ૪ જિલ્લાના ૧૦૫૫ ગામને કિસાન સૂર્યોદય યોજનાનો લાભ મળી ચૂક્યો છે. આવનારા દિવસોમાં કિસાન સૂર્યોદય યોજના થકી ખેડૂત વધુ સમૃદ્ધ બનશે તેમ ઉમેર્યુ હતું.
ઉર્જા મંત્રી સૌરભ પટેલે કિસાન સૂર્યોદય યોજના સહિત ઉર્જા વિભાગે ખેડૂતો માટે લીધેલા સઘન પગલા અંગે કહયું કે, ખેડૂતો માગે અને વીજ કનેકશન મળે તે દિવસો હવે દૂર નથી. ખેડૂતોને સાત પગલા ખેડૂત કલ્યાણ, પ્રધાનમંત્રી સન્માન નીધી, સહિત અનેકવિધ લાભ આપી ખેડૂતોની આવક બમણી કરવા સરકાર દ્વારા સતત પગલા લેવામાં આવી રહ્યા છે, તેમ જવાહરભાઇએ વધુમાં જણાવ્યુ હતું. કાર્યક્રમના પ્રારંભે પીજીવીસીએલના ચીફ ઇજનેર જે.જે.ગાંધીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. કિસાન સૂર્યોદય યોજનાના પ્રારંભ પ્રસંગે સાંસદ રાજેશભાઇ ચુડાસમા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રૈયાબેન જાલંધ્રા, જીયુવીએનએલના એમડી શાહમીના હુસૈન, પીજીવીસીએલના એમડી શ્વેતા ટીવેટીયા, પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, પૂર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ, ગોવિંદભાઇ પરમાર, જેઠાભાઇ સોલંકી, રાજશીભાઇ જોટવા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર, અગ્રણી ઝવેરીભાઇ ઠકરાર, હરીભાઇ સોલંકી અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.