ઉના, તા.૪
કહેવાય છે કે કાળને જ્ઞાન હોતુ નથી. તેવી ઘટના તાલુકાના કાળાપાણ ગામના કોળી પરિવારમાં બનેલ હોય જેમાં મોટો ભાઇ લગ્ન કરવાની ઘરમાં જીદ કરતો હોય અને તે બાબતે નાનાભાઇઓ સાથે બોલાચાલી થતાં બંને ભાઇઓએ એકસંપ કરી મોટાભાઇને ગળાટૂપો આપી હત્યા નિપજાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામેલ છે. જ્યારે આ હત્યાના બનાવની સગી જનેતા એ બંને પુત્રો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યારા ભાઇઓને રાત્રીના સમયે ઝડપી પાડ્યા હતા. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ તાલુકાના કાળાપાણ ગામે રહેતા જાહીબેન નાજાભાઇ વાજાના પરિવારમાં રમેશ નાજા વાજા, ભરત નાજા વાજા તથા જેન્તી નાજા વાજા છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાત ચલાવતા હોય જેમાં ત્રણ ભાઇઓ પૈકી ભરતના લગ્ન થઇ ગયેલ જ્યારે મોટાભાઇ રમેશ તેમજ જેન્તીના લગ્ન થયેલા ન હોય ઘરમાં લગ્ન બાબતે વારંવાર ઝઘડા થતા હોય રમેશ ત્રણ ભાઇઓમાં સૌથી મોટો હોય અને કામધંધો કરતો ન હોય અને પૈસા પણ કમાતો ન હોય ગઇકાલે સમી સાંજના સમયે રમેશ દારૂના નશામાં હોય અને પોતાના લગ્ન કરવાની બાબતે તેમની મા જાહીબેન સાથે બોલાચાલી કરતો હતો અને ગાળો આપી ઝઘડો કરતો હોય એ વખતે તેનો નાના ભાઇ જેન્તી આવી જતાં તેણે કુહાડી વડે રમેશને મારવા જતાં તેણે આ કુહાડી પકડી લેતા હાથમાં ઇજા થયેલ આ ઝપાઝપી થતી હોય ભરતે તેમના મોટાભાઇ રમેશને ઢીકા પાટુનો મારમારી પછાડી માથે બેસી ગયેલ આ દરમ્યાન જેન્તી સુતરની દોરી લઇ મોટાભાઇ રમેશના ગળે વીટી એક છેડો પગ નીચે દબાવી બીજા છેડે ખેચી ગળાટૂપો દઇ હત્યા નિપજાવી હતી. આ ઘટના બન્યા બાદ આજુબાજુમાં કોઇને ભણક આવેલ ન હતી અને રમેશની સ્મશાન યાત્રા કાઢવાની તૈયારી કરી લીધેલ પરંતુ પાપ છાપરે ચડી પોકાર્યુ હોય તેમ ગામમાં અજુકતુ થયુ હોવાની જાણ થતાં કોઇએ આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસ ધટનાસ્થળે પોહચી ગયેલ. અને સ્મશાન યાત્રા કાઢવાની તૈયારી અટકાવી મૃતદેહનો કબ્જો લઇ ઉના સરકારી હોસ્પિટલે પીએમ માટે ખસેડાયેલ અને મૃતક રમેશના હત્યારા ભાઇઓને પોલીસે ઝડપી પાડેલ અને બાદમાં તેમની માતા જાહીબેનની પૂછપરછ કરતા સમગ્ર હત્યાનો મામલો બહાર આવતા પોલીસે બંને હત્યારા ભાઇઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.