(સંવાદદાતા દ્વારા) ઉના, તા.૨૪
ઉના પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની પારાયણના દૃશ્યો જોવા મળી રહ્યા છે. બીજી તરફ વહીવટી તંત્ર અને પાણી પુરવઠા બોર્ડના અધિકારી પૂરતું પાણી હોવાના દાવા કરી રહ્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના પોકારના દૃશ્યો અને પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે. અહી વાત તાલુકાના માત્ર ૧૧૫૦ની વસ્તી ધરાવતા ગુંદાળા ગામની છે જ્યાં મુસ્લિમ અને દલિત સમાજના લોકોનો ગામમાં વસવાટ હોય અને આ ગામમાં એક માત્ર ડંકીમાંથી પૂરૂ ગામ પાણી માટે ગમે ત્યારે હાજર જોવા મળે છે. તાલુકાના નાના એવા ગુંદાળા ગામમાં ઉનાળો આવે અને પાણીની પારાયણ ઊભી થાય તેમ આ ગામમાં પાણીનો મસમોટો સંપ બનાવવામાં આવ્યો છે અને આ પાણીના સંપમાં નર્મદા સર્વદે ગુજરાતને ગર્વ દે તેવા નર્મદાના નીર તો આવે છે. પરંતુ ગુજરાતને ગર્વ દે તે હેતુ સિધ્ધ થતો ન હોય તેમ ગામમાં આવેલા ૧૫૦ જેટલા ઘરોમાંથી એક પણ ઘરમાં નળ કનેક્શન ન હોવાથી નર્મદાનું નીર ઘર સુધી પહોચતું ન હોવાથી ગ્રામજનોએ નાછૂટકે પાણી માટે વલખાં મારવા પડતા હોય છે જ્યારે ગુંદાળા ગામમાં અલગ-અલગ વિસ્તારોમાં ત્રણ ડંકીઓ છેલ્લા ઘણા સમયથી કાર્યરત હોય પરંતુ ત્રણ ડંકીમાંથી બે ડંકીમાં પાણી ડૂકી જતા હાલ એક માત્ર ડંકીમાં પાણી આવતું હોય તેથી વહેલી સવારથી એક માત્ર ડંકી પર મહિલાઓ, વૃદ્ધાઓ તેમજ નાના બાળકો પાણી ભરવા માટે દોડધામ કરતા હોય છે જ્યારે આ પરિસ્થિતિથી વહીવટી તંત્ર સાવ અજાણ હોય તે વાત પણ માની શકાય નહી ત્યારે ગામમાં પાણી ભરવા આવતી મહિલાઓમાંથી પણ એવો સૂર ઉઠવા પામેલ કે, સરકાર પાણી આપતી નથી. મત લેવા વખતે વાતો કરે પછી આ રાજકીય બગલાઓ ઉડીને ચાલ્યા જાય પછી પાછા દેખાતા નથી. જ્યારે એક માત્ર કાર્યરત ડંકી માંથી માત્ર પીવા માટે પાણી મળી શકે છે. જ્યારે કપડા ધોવા માટે મહીલાઓએ દૂર દૂર સુધી વાડી વિસ્તારોમાં પાણી હોય ત્યાં કપડા ધોવા જવું પડે છે. ઉનાળાના પ્રારંભે પાણી માટે શું પરિસ્થિતી હશે તેવો સવાલ ગ્રામજનો માંથી ઉઠવા પામેલ છે.