ઉના, તા.ર૩
ઊના તાલુકાના ચીખલી ગામે ૧૦૦ જેટલા મરઘાનાં મોત થયા બાદ બર્ડફલુની આશંકા સાથે તેમના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલાયા હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા પશુપાલક વિભાગ દોડતું થયેલ હતું. અને આજે વહેલી સવારે ખાડો ખોદી ૨૨૦ જેટલા મરઘાઓને જીવીત દફન કરવામાં આવ્યા હતા.
ચીખલી ગામે રહેતા ભાવેશ પાંચા ચુડાસમાની વાડીમા બનાવેલા પોલ્ટ્રી ફાર્મમાં બારેક દિવસ પહેલા ૧૦૦થી વધુ મરઘાનાં મોત થયા હતા. આથી સ્થાનિક પશુ ડોકટર તેમજ જૂનાગઢથી ડોક્ટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મરઘા ફાર્મનું નિરીક્ષણ કરી ચકાસણી કરવામાં આવી હતી. જોકે એ વખતે તેને બર્ડફ્લુના લક્ષણો ન હોવાનું જણાવ્યું હતું. આમ છતાં ૪ તંદુરસ્ત અને ૩ બીમાર મરઘાના લોહીના નમૂના પરીક્ષણ અર્થે ભોપાલ લેબ ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યા હતા. જે શુક્રવારે મરઘાઓને બર્ડફ્લુનો રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે જ ચિખલી ગામના આસપાસમાં ૧ કિ.મી.ની ત્રિજ્યામાં કિલીંગની કામગીરી હાથ ધરવા સહિતના અનેક પ્રતિબંધો ફરમાવતું જાહેરનામુ ગીરસોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરી સંબંધીત વિભાગને જરૂરી પગલા લેવા આદેશ કર્યો હતો. જેના પગલે ઉના પશુ ચિકિત્સ ડો.શિવાંગી સોલંકી, ડો.પ્રકાશ લીંબાણી, નાયબ પશુપાલક નિયામક ડો.પરમાર, ડો.દાહીમા સહિતનો કાફલો વહેલી સવારે ચીખલી પહોંચી ગયા હતા. તકેદારીના ભાગરૂપે આ વિસ્તારમાં ફોકિંગ કરવામાં આવ્યું હતું તેમજ ૧ કિ.મી.ના વિસ્તારમાં કિલીંગની કામગીરી હાથ ધર્યા બાદ એક મોટો ખાડો કરી ૨૨૦ મરઘાઓને દફનાવામાં આવ્યા હતા.