(સંવાદદાતા દ્વારા) ઉના, તા.૧૨
ઉના પંથકમાં લગ્નગાળાની મોસમ પૂરબહારમાં જોવા મળી રહી છે અને ઠેર-ઠેર લગ્નના ગીતની શરણાઇના સૂર સાંભળવા મળી રહ્યા છે ત્યારે આજરોજ તાલુકાના દેલવાડા ગામે ડી.જે.ના તાલે બાજુના ગામેથી જાન આવી અને બાદમાં કન્યાએ ફેરા ફરવાનો સાફ શબ્દમાં ઇન્કાર કરતા બન્ને પક્ષના લોકો અચંબામાં પડી ગયા હતા તો બીજી તરફ કન્યા પણ પોતાના ફેરા ન ફરવાના નિર્ણય પર અડગ રહેતા અંતે જાન લીલાતોરણે પરત ફરી હતી. આ ઘટના બનતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બનવા પામેલ છે જ્યારે કન્યાએ શા માટે ફેરા ફરવાનો ઇન્કાર કર્યો તે અંગેનું સાચું કારણ બહાર આવેલ નથી. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ તાલુકાના નાંદણ ગામના વાજા પરિવારના સંદિપ વાજાના લગ્ન દેલવાડાની રૂપલબેન બાલુભાઇ બાંભણિયા સાથે નિર્ધારેલ હોય અને આજરોજ ઉના મુકામે કોળી સમાજના સમૂહલગ્નમાં નવદંપતી પ્રભુતામાં પગલાં માંડવાના હોય અને બન્ને પરિવારોમાં લગ્નની ખુશીઓ જોવા મળતી હતી. પરંતુ સમૂહલગ્નમાં લગ્ન કરવા નહીં અને દેલવાડામાં લગ્ન કરવા તેવું અંત સમયે નક્કી કર્યું અને લગ્નની તૈયારીઓ પણ થઇ ગઇ અને ગોરબાપા પણ લગ્નમંડપે પહોંચી ગયેલા અને મંડપમાં ગોળધાણા તેમજ લગ્ન વિધીની તૈયારીઓને આખરી ઓપ પણ આપી દિધો હતો અને બસ હવે જાન આવવાની રાહ જોવાતી હતી અને થોડીવારમાં ડી.જે.ના તાલે વાજતે-ગાજતે દેલવાડાથી ૪ કિ.મી. દૂર નાંદણ ગામેથી જાનનું આગમન થયું અને શૂટ-બૂટમાં વરરાજાનું લગ્નમંડપમાં આગમન થતાંની સાથે જ વરરાજાના પોખણા થવા કપાળે ચાંદલો કર્યો અને જાનૈયાઓની ખુશી ક્યાંય સમાતી ન હતી. બધાના ચહેરા પર ખુશીઓ જોવા મળતી હતી અને જાનૈયાઓ પણ લગ્નના ગીતો ગાતા હતા. લગ્નવિધિનો પ્રારંભ થયો અને લગ્ન મંડપમાં હસ્તમેળાપની વિધિનો પ્રારંભ થયો અને બીજી તરફ જાનૈયાઓને ભાવતા ભોજનિયા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું એક તરફ હસ્તમેળાપની વિધિ પૂરી થઇ અને મોટાભાગના જાનૈયાઓ ભોજનની તૈયારી કરવા લાગેલા તો બીજી તરફ હસ્તમેળાપ પછી ફેરા ફરવાની તૈયારી થવા લાગી અને ગોળબાપાએ ફેરા ફરવાનું કહેતા જ કન્યાએ ફેરા ફરવાનો ઇન્કાર કરતા ગોળબાપા સહિતના મંડપમાં ઊભેલા તમામ સ્તબ્ધ થઇ ગયા હતા અને અચાનક જ કોઇએ પણ વિચાર્યું ન હોય તેવી બાબત સામે આવી કે કન્યાએ ફેરા ફરવાની ના પાડતા જ્યાં ચહેરા પર લગ્નની ખુશી જોવા મળતી હતી તે ચહેરા પરથી અચાનક ખુશી ગાયબ થઇ ગઇ અને તમામ લોકોના ચહેરા પર ચિંતા લકીરો ઉભરી ગઇ અને કન્યાને ફેરા ફરવા સમજાવાના અથાગ પ્રયત્નો કર્યા ગામમાંથી આગેવાનો પણ આવ્યા અને જાનમાં આવેલા વડીલો સહિત બન્ને પક્ષના લોકોએ કન્યાને ફેરા ફરવા સમજાવેલ પરંતુ કન્યા પોતાની ફેરા ન ફરવાની વાત પર અડગ રહેતા અંતે જાન લીલાતોરણે પરત ફરી હતી. આમ લાડીને લેવા વાજતે-ગાજતે આવેલો વર લાડીને લીધા વિના પરત ફરતા નાના એવા ગામમાં ચર્ચાનો વિષય બનવા પામેલ છે, હાલ બન્ને પક્ષના આગેવાનો એકત્ર થઇ સમજાવટના પ્રયત્ન હાથ ધર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જાણવા મળતી વિગત મુજબ વર કન્યા મામા-ફઇના થતાં હોવાથી લગ્ન અંદરોઅંદર સગામાં થતાં હોય તેમ છતાં પણ કન્યાએ ફેરા ફરવાનો ઇન્કાર શા માટે કર્યો તે પણ એક સવાલ છે. આ લગ્નમાં કંઇક અટપટો મામલો હોય તેમ કોઇ જાગૃત નાગરિકે વેરાવળમાં કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ કરેલ કે, દેલવાડામાં કન્યાની મરજી વિરૂદ્ધના લગ્ન થાય છે તેથી ઉના પોલીસને જાણ કંટ્રોલ રૂમમાંથી થતાં દેલવાડા ઓપીના પોલીસ જમાદાર ત્યાં પહોંચેલ અને કન્યાને પૂછેલ કે, તારી મરજી વિરૂદ્ધ લગ્ન થાય છે તો કન્યાએ ના પાડેલ અને પોલીસને જણાવેલ કે, મારી મરજીથી લગ્ન થાય છે. તેથી પોલીસે તેમનું નિવેદન જન્મ તારીખનો દાખલો લીધેલ તેમની માતાનું પણ નિવેદન નોંધેલ બાદમાં કન્યાએ હસ્તમેળાપ બાદ ફેરા ફરવાની ના પાડી તે બાબતે સમજની બહાર છે. એક તરફ હસ્તમેળાપની વિધિ પૂર્ણ થયા બાદ જાનૈયાઓ ભાવતા ભોજનિયા માટેનું કહેતા જાનૈયાઓ જમવા બેસી ગયા અને થોડા જાનૈયા જમવાની વાટે હતા અને થોડા સમયમાં જ ત્યાં અચાનક કન્યાએ ફેરા ફરવાનો ઇન્કાર કરતા અર્ધા જાનૈયા જમ્યા વગરના રહ્યા હતા.