(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.ર૯
હનીટ્રેપનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. જેમાં ઉના તાલુકાના પડા ગામનો એક હિરાનો વેપારી ભોગ બન્યો છે. મળતી માહિતી અનુસાર વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાડલા ફાટક નજીક બનેલા એક બનાવમાં ઉના તાલુકાા પડા ગામના કપીલભાઈએ આરોપીઓના વર્ણન આપી એક યુવતી સહિત ૭ સામે અપહરણ, માર મારવો, ઓરડીમાં ગોંધી રાખી રેપના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પાકીટમાંથી બળજબરીથી રૂા.૪૮,૦૦૦ પડાવી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતાં ચકચાર જાગી ઉઠી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર ઉના તાલુકાના પડા ગામે રહેતાં કપીલભાઈ મનસુખભાઈ કુબાવત (ઉ.વ.૩પ)એ પોલીસમાં આ કામના આરોપીઓ પૈકીની ગોપી નામની છોકરી અને અન્ય ૬ સહિત અજાણ્યા ૭ શખ્સો સામે નોંધાયેલ ફરિયાદમાં જણાવેલ છે કે, ગઈકાલે તા.ર૮/૩/૧૯ના રોજ ૧૧ઃ૩૦ પછીના કોઈપણ સમયે વાડલા ફાટક નજીક બનેલા બનાવમાં આરોપીઓએ પૂર્વયોજીત કાવતરૂ રચી તેમજ ગોપી નામની છોકરીએ ફરિયાદી કપીલભાઈ મનસુખભાઈ કુબાવતને બોલાવ્યા હતા. ત્યારબાદ તમામ આરોપીઓએ ફરિયાદી તથા સાહેદોને તેની ગાડીમાં અપહરણ કરી માર મારી વાડીએ લઈ જઈ એક ઓરડીમાં ગોંધી રાખી રૂા.ર૦,૦૦,૦૦૦ની માંગણી કરેલ અને નહીં આપે તો રેપ કેસ કરવાની ધમકી આપી ફરિયાદીના પાકીટમાંથી બળજબરથી રૂા.૪૮,૦૦૦ પડાવી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવેલ છે. આ બનાવ અંગે પોલીસે આરોપીઓ વિરૂદ્ધ કલમ ૩૬પ, ૩ર૩, પ૦૪, પ૦૬(ર), ૧ર૦(બી), ૩૮૪, ૩૪૧, ૧૪૩ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ વંથલી પોલીસ સ્ટેશનની પીએસઆઈ એમ.કે. ઓડેદરા ચલાવી રહ્યા છે.