ઉના, તા.૮
ઉના તાલુકાના મોઠા, સીમર, દુધાળા ગામના દલિત પરિવારના ૫૨ કુટુંબને ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૧૯૭૬માં અનુ.જાતિના ખેડૂતો હોવાથી સાંથણીની જમીન દુધાળા ગામના સર્વે નંબર ૪૪ની જમીનમાંથી અપાયેલ હતી. આ ખેડૂતો દ્વારા અવાર-નવાર તંત્ર અને સરકારને લેખિત-મૈખિક રજૂઆતો કરવામાં આવેલ, પરંતુ પીડિતોને કોઇ સાંભળતું ન હોવાના કારણે દુધાળા ગામની આ જમીનની માપણી અને કબજા સ્વીકારેલ ન હતા અને સરકારમાં માપણી ફી ભરવા છતાં તમામ ખેડૂતો આ જમીન પર નિયમિત ખેડાણ અને વાવેતર બેંક સહકારી મંડળીમાંથી આ જમીન પર ધિરાણ મેળવતા હતા. પરંતુ વહીવટી તંત્રના અધિકારીએ ૨૦૧૫ના નાયબ કલેક્ટર દ્વારા તમામ ખેડૂતોને નોટીસ આપી બધી જ જમીન ગે.કા. રીતે શરતભંગ કરેલ હતી. આ શરતભંગ નોટીસના વિરૂદ્ધમાં તમામ ખેડૂતો સરકારના વહીવટી રેવન્યુ વિભાગમાં રજૂઆત ધરણા આવેદનપત્ર અને પ્રદર્શનો કરી જમીન રિ-ગ્રાન્ટ કરવા માગણી કરતા અધિકારીઓએ લેખિત પ્રોસિડિંગ કરી તમામ ખેડૂતોને જમીન આપવા ખાતરી અપાયેલ, જેની પણ કાયદેસરની કાર્યવાહી ન થતાં ૫૨ દલિત પરિવારોની જિંદગી બરબાદ થઇ ગઇ છે. આ તમામ ખેડૂતો બિલકુલ બેરોજગાર બની જતાં રોજગારીનું સાધન ન હોવાના કારણે દલિતો પોતાના હક અને અધિકાર માગવા ઉના ત્રિકોણબાગ ખાતે ડૉ.આંબેડકર ચોકમાં પ્રતિક ઉપવાસ પર બેઠી ગયા છે. જેમાં ૨૮ પુરૂષો અને ૫ મહિલાઓ ઉપવાસી છાવણીમાં સામાજિક આગેવાનો સાથે બેસી પ્રતિક ઉપવાસ પર બેઠતા ભારે ખળભરાટ મચી ગયેલ છે. ખેડૂતો વર્ષ ૧૯૭૬માં ઉનાના દુધાળા ગામે ફાળવવામાં આવેલ સાંથણીની તમામ જમીન કાયદેસર માપણી કરવામાં આવે અને કબજો સોંપવા તા.૧૦/૩/૨૦૧૮ સુધીમાં કાર્યવાહી નહીં થાય તો આમરણાંત પર બેસી પોતાના જીવનું બલિદાન આપશે તેવી ચીમકી પણ આપેલ છે.