ઉના, તા.રપ
ઉનાથી ત્રણ કિમી દૂર લામધાર ગામની પ્રાથમિક શાળા નજીક રહેતા ખેતી કામ કરતા કોળી પરિવારની એક સાથે બે દિકરી નિદ્રાધિન હોય રાત્રીના સમયે ઝેરી સર્પ ઘરમાં ઘૂસી આવી ડંશ મારીને ઘરના ખુણામાં સંતાય જતાં વહેલી સવારે બન્ને દિકરીને ઉલ્ટી થતા માતા-પિતા એ તાત્કાલિક સારવાર અર્થે ઉનાની ખાનગી હોસ્પિટલ લાવતાં તબીબે મૃત્યુ થયાની જાણ કરતા શોકમંય વાતાવરણ છવાયું હતું.
જાણવાં મળતી વિગત મુજબ લામધાર ગામે બસ સ્ટેશન વિસ્તારમાં રહેતાં ભરત રામભાઈ બાંભણીયાની દીકરી નિધી (ઉ.વ.૧૩) તેમજ વાનિકા (ઉ.વ.૧૦) પોતાના પરિવાર સાથે રાત્રીના સમયે પોતાનાં રૂમમાં સુતા હતા. એ દરમ્યાન અચાનક ઘરમાં આવી ચડેલ ક્રોક નામના ઝેરી સર્પએ ભરનિંદ્રામાં બે દિકરીને ડંશ મારી ઘરના ખુણામાં લપાઇ ગયેલ. બન્ને દિકરીની વહેલી સવારે તબીયત ખરાબ થતાં ઉલ્ટી થવાં લાગી હતી. જેથી તેમના પરીવારજનો તાત્કાલિક સારવાર અર્થે ઉનાની ખાનગી હોસ્પિટલ લાવ્યા હતા અને સારવાર મળે તે પહેલા બન્ને સગી બહેનના મૃત્ય થયાં હોવાનું તબીબે જાહેર કરતા માતા-પિતા સહિત પરિવારજનો શોંકમય બની ગયેલ. આ કંરૂણ ઘટનાની જાણ લામધાર ગામે થતાં ગ્રામજનો અને ભરતભાઈના સંબંધી મોટી સંખ્યામાં ઉના હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટના બાદ ભરતભાઈ બાંભણીયાના ઘરમાં શોધખોળ શરૂ કરતાં ક્રોક નામનો ચટાપટા ધરાવતો ઝેરી સાપ મળી આવતાં લોકો એ તેને મારી નાખી ઉના સરકારી દવાખાનામાં પોલીસ સમક્ષ હાજર કરતા તાત્કાલિક કાર્યવાહી કરીને બન્ને બહેનોના મૃતદેહ પરિવારને અંતિમ સંસ્કાર માટે સોંપેલ હતા.
સરકારી હોસ્પિટલમાં કંરૂણ રૂદન કરતાં શોંકમય પરિવારજનો એ જણાવેલ કે ભરતભાઈ બાંભણીયાને ત્રણ દિકરી એક દિકરો મળીને ચાર સંતાનો હતાં. લામધાર ગામે ટૂંકી ખેતીની જમીન આવેલ છે અને ખેતીકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતાં હતા.

નિધી લામધાર ગામમાં તેજસ્વીતા ધરાવતી એક માત્ર વિદ્યાર્થીની હતી

ભરતભાઈ બાંભણીયાની બન્ને દિકરી શાળામાં અભ્યાસ કરતી હતી અને નિધી ધોરણ ૭ તેમજ વનિકા ધો.૫માં અભ્યાસ કરતી હતી. જેમાં નિધી અભ્યાસમાં તેજસ્વી હોય અને ગામની એક માત્ર દિકરી જવાહર નવોદય કેન્દ્રીય શાળા કોડીનાર ખાતે પસંદગી પામેલ હતી. હાલ ઓફ લાઈન એજયુકેશન બંધ હોવાથી ઘરે રહેતી હતી. હોસ્પિટલના બાંકડે બેસી એક સાથે બે દીકરીના મૃતદેહ જોઈને ભરતભાઈ ભાગી પડી ધ્રુશકે ધ્રુશકે રડી રહ્યા હતા અને પરિવાર સંગા સંબધી એ તેમના દિલાસો આપતા કંરૂણ ઘટના નિહાળી ઉપસ્થિત લોકોની આંખોમાંથી અશ્રુઓ વહી છૂટ્યા હતા.