(સંવાદદાતા દ્વારા) ઉના,તા.૨૯
ઉના પંથકનાં ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળાનાં પ્રારંભે પાણીનો પોકાર ઉઠવા પામેલ છે. પાણીનાં પોકાર વચ્ચે તંત્ર પુરતુ પાણી હોવાનાં દાવાઓ કરી રહ્યા હોવા છતાં પણ પાણીની સમસ્યા ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહી છે. ત્યારે તાલુકાનું વાંસોજ ગામ આજે પણ પાણીની સમસ્યામાં ઘેરાયેલુ જોવા મળે છે. ગ્રામજનોએ પાણી માટે વલખા મારવા પડે છે.
તાલુકાનાં પાંચ હજારથી વધુ વસ્તી ધરાવતા વાંસોજ ગામે મોટા નેતાઓ આવ્યા ગ્રામજનોને પાણી આપવામાં નિષ્ફળ ગયા હોવાનું કહેવાય છે. વર્તમાન સ્થિતિ જોઇએ તો વાંસોજ ગામમાં રાવલજુથ યોજનાનો સંપ આવેલો છે અને ગામમાં ઘરે ઘરે નળ કનેક્શન પણ છે. પરંતુ પાણી પુરવઠા બોર્ડ દ્રારા પાણીના સંપમાં મહિનામાં ૯થી ૧૦ દિવસ જ પાણી આવતુ હેવાથી આ પાણી ગ્રામજનોને પુરૂં પડતું નથી. ગ્રામજનોને પાણી માટે વલખા મારવા પડતા હોય છે. ઘરદિઠ રૂા.૫૦૦નું મહિને વહેંચાતું પાણી લેવુ પડે છે. આમ વાંસોજના ગ્રામજનો મહિને રૂા.૨.૫ લાખનું પાણી મંગાવવા મજબૂર બન્યા છે. જ્યારે સરકાર વિકાસની વાત વચ્ચે નર્મદાનાં નીર સૈની યોજનાની વાતો કરે છે. જે સાર્થક થતી દેખાતી નથી.
વાંસોજ ગામમાં ઉનાળામાં આ સમસ્યા વધુ જોવા મળે છે. તો બીજી તરફદરીયાકાંઠા નજીકનું ગામ હોવાથી ૨૦ ફૂટે ખારૂ પાણી આવતું હોવાથી કુવો કેમ બનાવવો ? નાછુટકે વેચાતું પાણી લેવું પડે છે ? પાણીની સમસ્યા અંગે ધીરૂભાઇએ જણાવેલ કે જૂની પંચાયત બોડી વખતે પાણી જ મળતુ ન હતું. હવે, નવી પંચાયત બોડી આવી ત્યારે પાણી મળતુ થયું પરંતુ નળમાં માત્ર ૨૦ મિનીટ જ પાણી આવે છે. ત્યારે વેચાતો પાણીનો ટાંકો મંગાવો પડે છે. તો પહેલાં અનાજ સંગ્રહ કરતા હવે પાણી સંગ્રેહ કરવો પડે છે. તેવું નાનજીભાઇ ઝાલાએ જણાવેલ હતું.