(સંવાદદાતા દ્વારા) ઉના, તા.૧૯
દેશભરમાં ચમકેલા ઉના તાલુકાના વાજડી ગામના નંદવાણા પરિવારની એક દીકરી અને બે દીકરા મેદસ્વીપણાને કારણે દિન-પ્રતિદિન વધતા વજન અને શરીરે બેડોળ હાલતના કારણે માતા-પિતા પરેશાન બની ગયા હતા. આ શ્રમિક મજૂર વર્ગના આ કુટુંબ આર્થિક રીતે અતિ ગરીબ હોય અને તેના ત્રણ સંતાનો મેદસ્વીતાના કારણે વધુ ખોરાક માંગતા હોય એક તરફ સામાન્ય સ્થિતિમાં ચાર સંતાનો અને પતિ-પત્ની સહીત ૬ વ્યક્તિનો ભરણપોષણની જવાબદારી નિભાવવી કે પછી બાળકોની સારસંભાળ અને સારવાર પાછળ દોડવું કઠીન જવાબદારી નિભાવતા વાજડી ગામના રમેશભાઇ નંદવાણાના આ બાળકોની હકીકતો અખબારોને ઇલેકટ્રોનિક મીડિયામાં છપાયા બાદ ગુજરાત સરકારના તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેને આરોગ્ય વિભાગના અધિકારીઓને દોડતા કરી આ બાળકોના મેડિકલ ચેકઅપ અને સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે. તેવું જાહેર કર્યા બાદ થોડા સમય અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ તેને રજા અપાઈ હતી અને ત્યાર બાદ સ્થાનિક આગેવાનોથી માંડીને સીએમ કાર્યલય સુધી આ બાળકના નામે પ્રસિદ્ધિઓ મેળવી હતી અને ત્યારબાદ આ ગરીબ પરિવારની ક્રુર મસ્કરી કરાયેલ હોય તેમ તેને છોડી દેવાયા બાદ આ પરિવારના મોભી રમેશભાઇ નંદવાણાએ મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ કાર્ડ કઢાવેલ હોય તે પણ યોજના શરૂ થઇ ન હતી તે ૨૦૧૦ના વર્ષનું અપાતા બાળકોને લઇ સારવાર માટે હોસ્પિટલમાં લઇ જતાં સારવાર ન મળેલ અને ત્યારબાદ એક તરફ બાળકોના વધી રહેલા વજનના કારણે તેને પડતી મુશ્કેલી જોઇ ન શકનાર રમેશભાઇ નંદવાણાએ એક સમયે પોતાના બાળકો સાથે જિંદગી ટુંકાવી લેવા મોતને વાલુ કરવાનો વિચાર અન નિર્ણય લઇ લીધો હતો. પરંતુ તેના હાથમાં એક ડોક્ટરની બુક આવતા અને તેમાં બેરિયાટીક સર્જરી દ્વારા વજન ઘટાડી શકાય છે. આ વાચતા આ ડોક્ટર પાસે એક વખતે પોતાના બાળકો સાથે જવાનો નિર્ણય કરતા છેલ્લા ચાર વર્ષમાં સરકારે વાતો કરી ફોટા પડાવ્યા પણ બાળકોની સ્થિતિમાં કહી ફેર ન પડતા આખરે અમદાવાદ એસજી હાઇવે પર આવેલ એસીવન બેરિયાટીક હોસ્પિટલના ડોક્ટર મહેન્દ્ર નરવરૈયા પાસે રમેશભાઇ તેમનો પરિવાર પહોંચી ગયેલ અને તમામ બાબતે ડોક્ટરને વાત કરતા અને પોતાની આર્થિક પરિસ્થિતિ વાકેફ કરતા ડોક્ટરનું પણ દિલ બાળકોની પરિસ્થિતિ જોઇ દ્રવી ઉઠ્યું હતું અને એક પણ પૈસો લીધા વગર બન્ને બાળકોના વિનામુલ્યે ઓપરેશન કરી આપવા ખાતરી આપતા અને ઓપરેશનની તા.૬/૩/૨૦૧૮ના નક્કી કરાતા રમેશભાઇ પોતાના સંતાન ૭૬ કિલોની યોગીતા તેમજ ૮૨ કિલોની અમીશાને લઇ અમદાવાદ પહોંચતા ડો.મહેન્દ્ર નરવરૈયા બન્ને બાળકોના શરીરમાં બેરિયાટીક સર્જરી કરી નવી જીંદગી આપી હોય તેમ આજે આ બન્ને બાળકો સંપૂર્ણપણે તંદુરસ્ત હોય અને તેના શરીરનો વજન ૧૨-૧૨ કિલો ઘટી જતા હળવાફૂલ બની ગયા હતા. હાલ ડોક્ટરે આ બન્ને બાળકો માટે ડાયેટ પ્લાન આપેલ હોય તે મુજબનો ખોરાક ચાલુ હોય અને પરિવારમાં ખુશીની લહેર પણ જોવા મળી હતી. રમેશભાઇ પાસે માત્ર એક બીપીએલ કાર્ડ હોય તે પણ કોઇ ઉપયોગી થયેલ ન હોય અને મજૂરી કરીને ગુજરાન ચલાવતા આ પરિવારને જાણે કુદરતે મદદ કરવા આવી પહોચી હોય તેમ રમેશભાઇના બાળકોને વિનામુલ્યે કોઇપણ અપેક્ષા રાખ્યા વગર માનવતાના ધોરણે ડોક્ટર મહેન્દ્ર નરવરૈયાની મદદથી બાળકોની સારવાર મળી જતાં આ બન્ને બાળકો પણ આનંદ અનુભવતા જોવા મળ્યા હતા.
બોક્ષ

સરકારે માત્ર સારવારની વાતો કરી અને ફોટા પડાવ્યા : રમેશ નંદવાણા
વાજડીની સુમો બેબી તરીકે જાણીતા ત્રણ બાળકો મહાકાય વજન ધરાવતા હોવાનું અખબારી અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ સરકારે આ બેબીની સારવારની વાતો કરી તાત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આ પરિવારને ઉના મળ્યા હતા. બન્નેની જવાબદારી સ્વીકારી હતી પણ જોઈએ તે મુજબની કોઇ સરવાર કે સેવા ન મળી અંતે મે મારી રીતે મારા બાળકોની સારવાર મને માનવ સેવાની ભેખ ધરાવતા તબીબની મદદથી કરાવી.
હવે મને હાશકારો થયો : પ્રજ્ઞાબેન નંદવાણા
સુમો બેબીના માતા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, સરકારે વાતો કર્યા બાદ સારવાર તો પૂરતી ન મળી અને વજન વધતું જતું હતું અને અમે ચિંતાતુર હતા અને મારા પતિએ જીવન ટુંકાવી નાખવાનું મન મનાવી લીધુ હતું. અંતે બાળકોની સારવાર માટે અમદાવાદના ડોક્ટર ભગવાન બની આવ્યા અને મારા બાળકોનો આજે વજન ઘટતા એક મા તરીકે મને હાશકારો થયો છે.