કે.સી. રાઠોડ

લોકેશ ખટર

સામાપક્ષે ઈજાગ્રસ્ત

ઉના, તા.ર૮
ઉના શહેરના ગીરગઢડા રોડ પર મામલતદાર કચેરી પાછળ આવેલ એમ કે પાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતા ભાજપના પાલિકાના પૂર્વ મહિલા સદસ્યનું અવસાન થતાં ખરખરામાં ગયેલા ઉના નગરપાલિકાના વર્તમાન પ્રમુખ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ ચનાભાઇ રાઠોડ પર બાઇક પર આવેલા બેથી ત્રણ અજાણ્યા શખ્સોએ રીવોલ્વરમાંથી ફાયરીંગ કરતા સામે પણ ફાયરીંગનો જવાબ ફાયરીંગથી મળતા આ ઘટના બનતા લોહીલુહાણ હાલતમાં પૂર્વ ધારાસભ્ય અને તેને બચાવવા પડેલા અન્ય બે વ્યક્તિને ગંભીર ઇજા થતાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા છે.
ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ શહેર ભાજપ પ્રમુખ મિતેષ શાહની બાઇક પર બેસી ગીરગઢડા રોડ પર આવેલ એમ કે પાર્કમાં રહેતા પાલિકાના પૂર્વ સદસ્ય ગીતાબેન છગનાનું અવસાન થતાં તેમના પરિવારજનોને દિલાસો પાઠવવા ગયેલ હતા પરત આવતા આ વિસ્તારમાં રહેતા પાલિકાના ઉપપ્રમુખ ચંન્દ્રેશભાઇ જોષી (રાધેભાઇ)ના સસરા અનંતરાય ઠાકર તેમના મકાનની બહાર બેઠા હતા. તેમને ત્યાં બેસી ચર્ચા કરતા હતા. આ વખતે અચાનક એક બાઇક પર ૩ જેટલા અજાણ્યા શખ્સોએ આવી કાળુભાઇ રાઠોડ પર દિનદહાડે સરાજાહેર ફાયરીંગ કરતા સામે પણ ફાયરીંગ થતાં થોડી મિનિટોમાં તો આ વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી. કાળુભાઇ રાઠોડને બચાવવા વચ્ચે પડેલા અનંતકુમાર ઠાકર તેમજ લોકેશભાઇ ખટરને પણ આ ફાયરીંગમાં ઇજા થતા તેમને તાત્કાલીક ખાનગી વાહનમાં પ્રથમ પ્રાથમિક સારવાર અર્થે ઉનાની ખાનગી હોસ્પિટલમાં ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કર્યા છે. આ બનાવ બનતા તાત્કાલિક પોલીસે ઘટના સ્થળે દોડી તપાસ હાથ ધરતા અન્ય ત્રણ વ્યક્તિ જેમાં મહેશ ભગવાનભાઇ બાંભણીયા, યશવંત મનુભાઇ બાંભણીયા તથા રવિ મનુભાઇ બાંભણીયાને પણ ફાયરીંગમાં ઇજા થઇ હોવાનું અને તેને પણ રાજકોટ ખસેડેલ હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે. ગીરસોમનાથ જિલ્લા એસ.પી. ત્રિપાઠી, એ.એસ.પી. અમીત વસાવા, ઉના પી.આઇ. ચૌધરી સહિત પોલીસ કાફલો દોડી ગયો હતો. પાલિકા પ્રમુખ પર હુમલો થયાની ચર્ચા સમગ્ર શહેરમાં ફેલાતા તેમના સમર્થકો અને પરિવારજનો મોટી સંખ્યામાં હોસ્પિટલે તેમજ બનાવ સ્થળે દોડી ગયા હતા અને કાયદો વ્યવસ્થા પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. બીજી તરફ આ ફાયરીંગની ઘટનાથી રાજકીય ક્ષેત્રે સમગ્ર સૌરાષ્ટ્રમાં ઘેરાપ્રત્યાધાત પડેલ છે અને વધુ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઉના પોલીસે વિવિધ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધેલ છે. આ બનાવની ફરિયાદ હજુ સુધી નોંધાયેલ નથી.