ઉના, તા.ર૧
ઉના શહેરમાં મોટાપીરની દરગાહ પાસે પાનનો અને કોલડ્રીંક્સનો વ્યવસાય કરતા હોય અને થોડા મહિના પહેલાં મોહર્રમના તહેવારમાં ફાયરીંગની ઘટના બની હોય જેમાં ગુલાબશા ફકીરશા શામદારના દીકરા જાફીરશાએ પોલીસમાં ફરિયાદ નોંધાવેલ હતી અને આ ફાયરીંગની ઘટનામાં સામાપક્ષે પણ ફરિયાદ દાખલ કરેલ હોય આ બાબતનું મનદુઃખ રાખી ગતરાત્રિના આઠ વાગ્યાની આસપાસ તોફીકશા દુકાને હતો એ સમયે તેમના પિતા મોબાઇલ પર વાત કરતા હતા. એ વખતે વસીમ ઉર્ફે ઘનો ઇકબાલ મેમણ તેમની બાઇક પર ઉના નગરપાલિકાના મહિલા નગરસેવીકાનો પુત્ર એઝાજ શાબુદીન દલ તથા રિયાઝ ઉર્ફે તડકી ફારૂક ચૌહાણ નામના બંને શખ્સોને બાઇક પરથી ઉતારી વસીમ ત્યાંથી જતો રહેલો અને અચાનક જ એઝાજ તથા રિયાઝ પાસે હાથમાં લોખંડના પાઇપ હોય, એઝાજે લોખંડના પાઇપથી ગુલાબશાને માથાના ભાગે જીવલેણ ઘા મારતા રોડ પર પડી ગયેલા આ દૃશ્યો જોઈ દુકાનમાંથી તેમનો પુત્ર તોફીકશા પિતાને બચાવવા વચ્ચે પડ્યો હતો. એઝાજ અને રિયાઝે તેમને પણ મારમારવા લાગેલ અને રાડો પાડતા આજુબાજુના લોકો ભેગા થઇ ગયેલા હતા અને તરત જ વસીમ બાઇક લઇને આવી જતાં હુમલાખોરો બંને બાઇકમાં બેસી નાસી ગયા હતા અને લોહીલોહાણ હાલતમાં ગુલાબશા રોડ પર ઢળી ગયા હતા અને તાત્કાલિક છકડો રિક્ષામાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયેલ હતા. જ્યાં ગુલાબશાની હાલત ગંભીર હોય વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવતા હતા. પરંતુ ઉનાથી સાત કિ.મી. દૂર એમ્બ્યુલન્સમાં જ ગુલાબશાનું મોત નિપજતા તેમના મૃતદેહને ઉના સરકારી હોસ્પિટલે ખસેડતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને હોસ્પિટલે પોલીસ કાફલો પહોંચી ગયેલ હતો. જ્યાં મૃતકના પુત્રએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા. હત્યાની ઘટના બનતા વેરાવળથી પણ પોલીસ કાફલો ઉના પહોંચી ગયેલ હોય અને આરોપીને પકડવા વિવિધ દિશામાં ચક્રગતિમાન કરેલ છે.