(સંવાદદાતા દ્વારા)
ઉના, તા.૭
ઉના નગરપાલિકાના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્યની ગણેશનગર ખારા વિસ્તારમાં આવેલ જમીનમાં નારિયેળીના બગીચાના કૂવામાં ધોળા દિવસે દીપડો શિકારની શોધમાં આવી ચડતા શિકારની લાલચમાં દીપડો કૂવામાં ખાબકતાં અને તેની જાણ વનવિભાગને કરાતા તાત્કાલિક વન્ય અધિકારીની ટીમ દોડી આવી દીપડાને રેસ્ક્યુ કરી કૂવામાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. પૂર્વ ધારાસભ્ય કે.સી. રાઠોડની માલિકીની જમીનમાં નારિયેળીનો બગીચો આવેલ હોય અને આ બગીચામાં બપોરના ત્રણ વાગ્યાની આસપાસ દીપડો ચડી આવતા વાડી વિસ્તારમાં રહેતા અન્ય પ્રાણીઓમાં ફફડાટ મચી જતાં ત્યાં કામ કરતા માણસો બહાર જોતા દીપડો નજરે પડ્યો હતો અને શિકારની શોધમાં દીપડો વાડીમાં આવેલ ૭૦ ફૂટ ઊંડા કૂવામાં ખાબકતા ત્યાં કામ કરતા લોકોને અવાજ આવતા કૂવા પાસે દોડી ગયેલા અને કૂવામાં દીપડો જોવા મળતા તાત્કાલિક જશાધાર રેન્જના વનવિભાગના અધિકારી વી.ડી. જાદવ, પી.કે. દમણિયા, વી.આર. ચાવડા, ડી.પી. સરવૈયા, ભાવિનસિંહ સોલંકી સહિતનો સ્ટાફ પાંજરૂ તેમજ દોરડા સાથે સ્થળ પર દોડી ગયેલા હતા અને કૂવામાં દોરડા વડે પાંજરૂ ઉતારી એક કલાકની જહેમત બાદ મહામુસીબતે ખૂંખાર દીપડાને પાંજરે પૂરી જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલ હતો. આ દીપડો ચાર વર્ષનો હોવાનું જાણવા મળેલ છે. આ ઘટના બનતા પૂર્વ ધારાસભ્ય પણ પોતાની વાડીએ દોડી ગયા હતા.
આ વિસ્તારમાં ચાર જેટલા દીપડાનો વસવાટ…
આ વાડી વિસ્તારમાં ત્રણથી ચાર જેટલા દીપડાએ પોતાનું રહેઠાણ બનાવી લીધેલુ હોય અને અવાર-નવાર શહેરી વિસ્તારના રહેણાંકીય નિવાસ સ્થાન સુધી શિકારની શોધ માટે ચડી આવતા હોય જેના કારણે કાયમી વન્યપ્રાણીઓથી લોકો ભયભીત બની ગયા છે.