(સંવાદદાતા દ્વારા) ઉના, તા.પ
ગીરના વન્યપ્રાણીઓ જંગલ છોડી ગ્રામ્ય વિસ્તારો સુધી આવવું સામાન્ય બની ગયુ હોય તેમ બે દિવસ પહેલા નાનાસમઢીયાળા ગામમાં મોડી રાત્રીના સમયે સિંહો આવી ચડતા બે દિવસમાં આઠ જેટલા મુંગા પશુઓનું મારણ કરી મિજબાની માણી હતી. ત્યારે આ વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાયેલ હતું. ત્યાં ગત રાત્રીના તપોવન રોડ પર ૫ સિંહોના પરિવારે ગાયનું મારણ કરી મિજબાની માણતા હોવાનો વીડીયો વાયરલ થયેલ હતો. જો કે આ સિંહ પરિવારમાં સિંહબાળ સાથે લાઇવ મિજબાની માણતા હોય તે કેમેરામાં કેદ થઇ ગયેલ જોવા મળેલ છે.તેમજ ઊનાના કાણકબરડા ગામની સીમ વિસ્તારમાં સિંહો શિકારની શોધમાં આવી ચડતા મહેશગીરી શીવગીરી ગૌસ્વામીની વાડી પાસેજ એક રેઢીયાળ ગાયનું મારણ કરી મિજબાની માણી હતી અને ખેડૂતોને હાલ વાવણીના સમયે ખેતી કામ કરવું મુશ્કેલ બની ગયું છે. વનવિભાગ દ્વારા આ સિંહોને જંગલમાં દૂર ખદેડવા આ વિસ્તારના ખેડૂતોની માંગ ઉઠવા પામેલ છે.