જામનગર, તા.પ
જામનગરને ઊંડ-૧ ડેમમાંથી મળતા પાણીનો જથ્થો નહિવત્‌ થતા હવે મહત્તમ આધાર નર્મદાના નીર ઉપર જ રહ્યો છે. સસોઈ ડેમ પણ આગામી દોઢથી બે સપ્તાહમાં તળિયાઝાટક થશે જ્યારે જામનગર સો ટકા નર્મદા નીર આધારીત રહેશે.
જામનગર શહેરમાં એકાંતરા પાણી વિતરણ કરવા માટે દૈનિક લગભગ ૧૦પ એમ.એલ.ડી. પાણીની જરૃરિયાત રહે છે. તેમાં તાજેતરમાં ઊંડ-૧ ડેમ ખાલી થતાં પાણી મળવાનું લગભગ બંધ જેવું થયું છે.
હાલ મહત્તમ પાણીનો જથ્થો નર્મદા પાઈપલાઈન અને આજી-૩ ડેમમાંથી મળે છે, સસોઈ ડેમમાંથી હાલ થોડો પાણીનો જથ્થો મળી રહ્યો છે. જે પણ આગામી ૧૦ થી ૧પ દિવસમાં બંધ થતા સમગ્ર શહેર ઉનાળામાં નર્મદાના નીર ઉપર આધારીત થઈ જશે.
જો કે, રણજીતસાગર ડેમ નર્મદાના નીરથી ભરવાનું શરૃ થયું છે. જો તે યથાવત્‌ રીતે ચાલુ રહેશે તો આગામી ઉનાળામાં જામનગરના લોકોને રણજીતસાગર મારફત નર્મદાના નીર મળી રહેશે.
જામનગરમાં હાલ નર્મદા-પાઈપલાઈન મારફત દૈનિક ૪૬ એમ.એલ.ડી. અને આજી-૩ ડેમમાંથી ૩૭ એમ.એલ.ડી. પાણીનો દૈનિક જથ્થો ઉપાડવામાં આવે છે. તો સસોઈમાંથી ૧૮ અને ઊંડ-૧ ડેમમાંથી ત્રણેક એમ.એલ.ડી. પાણી મળે છે.