ગાંધીનગર,તા.૧૬
રાજયમાં ઉનાળુ ખેતી માટે નર્મદા ડેમમાંથી ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાનું બંધ કરાતા ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે જેને લઈને ખેડૂતોએ જળ આંદોલનની શરૂઆત કરી છે ખેડૂતોના આક્રોશને જોતા નર્મદા મુખ્ય કેનાલ વિસ્તારના પોલીસનો કાફલો ખડકી દેવાયો છે.
આ વખતે નર્મદા ડેમમાં ઓછુ પાણી હોવાના કારણે ગુજરાત સરકારે અગાઉથી કરેલી જાહેરાત મુજબ ૧પ માર્ચ મધ્યરાત્રીથી નર્મદાની સબ માયનોર કેનાલોમાં પાણી આપવાનું બંધ કરી દેવાયું છે કારણ કે હવે જ પાણી બચ્યું છે તેને પીવાના પાણી માટે સ્ટોરેજ કરવામાં આવનાર છે તેથી સિંચાઈ માટે પાણી બંધ કરવાનું આજથી શરૂ કરાયું હતું. જેને કારણે સ્થાનિક આગેવાનોએ વિરોધ પ્રદર્શન કરીને સૂત્રોચ્ચાર કર્યા છે અને ખેડૂતોને પાણી આપવાની માગ કરી છે.
એક બાજુ રાજયભરના ખેડૂતોએ ઉનાળુ પાકની આગોતરી તૈયારીઓ કરી દીધી છે તેમની મહેનત પૈસા અને સમય તેમાં જોતરી દીધા છે અને હવે છેલ્લી ઘડીએ સરકારના સત્તાવાળાઓ નર્મદા ડેમમાંથી ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાનું બંધ કરી દેતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ભારે પાણીની ચોરી ન થાય તે માટે સરકારે કેનાલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યો છે ત્યારે આજે નર્મદા જિલ્લાના ખેડૂતો અને ભારતીય લાયન સેના દ્વારા વિરોધ પ્રદર્શન કરવાનું હોઈ જિલ્લાભરની પોલીસનો કાફલો નર્મદાની મુખ્ય કેનાલ વિસ્તારમાં ગોઠવી દેવાયો છે પોલીસે ઠેરઠેર નાકાબંધી કરી છે અને ખેડૂતો મુખ્ય કેનાલ ઝીરો પોઈન્ટ તરફ જાય તે પહેલા તમામને ડિટેઈન કરી દેવાયા છે જો કે ખેડૂતોને આક્રોશ જોતા આંદોલન વધુ ઉગ્ર બનવાની શકયતા વર્તાઈ રહી છે.
ઉનાળુ ખેતી માટે સિંચાઈનું પાણી ન મળતાં ખેડૂતો જળ આંદોલનના માર્ગે

Recent Comments