(સંવાદદાતા દ્વારા) ઉના, તા.ર૭
ઉના તાલુકા અને ગીરગઢડા પંથકના જંગલ બોર્ડરને અડી આવેલા ગામોમાં સતત આઠ દિવસથી મેઘરાજા મનમૂકી કાચું સોનું વરસાવી રહ્યા છે અને આ પંથકના જમીન તળમાં સતત મેઘરાજાના વરસતા પાણીએ મીઠા પાણીના સ્ત્રોતને ઊંચા લાવતા લોકો ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે.
ગત રાત્રીથી સતત પડી રહેલા વરસાદે ગીર પંથકની સાથે દરિયાકાંઠા વિસ્તારમાં પણ મનમુકી પધરામણી કરતા ચારે તરફ પાણી-પાણી થવા લાગતા રોડ-રસ્તાઓની ગંદકી પણ સફાઈ થઈ ગયેલ છે. ગીરગઢડાના ધોકડવા ગામે ૩ ઈંચ, દેલવાડા ૪ ઈંચ, નવાબંદર ર ઈંચ, જંરગલી ર ઈંચ, કેસરિયા ર ઈંચ, કાળાપાણ ૩ ઈંચ, ઉના શહેરી વિસ્તારમાં ૩ ઈંચ સનખડા ગામે દોઢ ઈંચ વરસાદ કડાકા-ભડાકા સાથે વરસેલ છે.
વરસાદના કારણે કેટલાક વિસ્તારમાં વીજળી પુરવઠો પણ બંધ રહેલ છે જ્યારે સનખડા ગામે બસસ્ટેન્ડ પાસે આવેલા પી.જી.વી.સી.એલ.ના ટીસી પર વીજળી કડાકા સાથે પડતા મોટી અકસ્માતની ઘટના સર્જાતા અટકી હતી અને વીજ પુરવઠો બંધ થતાં ગામમાં પાણી પુરવઠો અને બેંકિંગ વ્યવસાય પર અસર પડી હતી. ગાંગડા તેમજ સમઢિયાળા ગામે પણ દોઢથી અઢી ઈંચ વરસાદ પડેલ હોવાના અહેવાલ મળી રહ્યા છે.