(સંવાદદાતા દ્વારા)
ઉના, તા.૧૪
ઉના તાલુકા પંચાયતનું બિલ્ડીંગ અતિજર્જરીત બની ગયું હોવાથી તથા વર્ષોથી આ મકાનનું રીપેરીંગ કામ ન થતા પંચાયત કચેરીમાં આવેલ તમામ વિભાગની શાળાઓમાં છતના સિમેન્ટ પોપડા અવાર નવાર પડતા હોવાથી કર્મચારીઓને નાની મોટી ઇજાઓ થઈ હતી. આ પંચાયત કચેરીનું બિલ્ડીંગ રીપેરીંગ ન થવાના કારણે કચેરીના વિભાગમાં બેસતા કર્મચારી પોતાના જીવ જોખમમાં મૂકી ડર સાથે કામકાજ કરી રહ્યા છે.
ગત શનિવારે ભારે વરસાદ થતા તાલુકા પંચાયત કચેરીના સ્લેબ માંથી પાણી પડતા સરકારનુ અગત્યનું રેકર્ડ પણ પલળી ગયો હતો. આ ઉપરાંત ઇગ્રામ શાળામાં સ્લેબના પોપડા પડતા ટેબલ પર રહેલા કિંમતી કોમ્પ્યુટર તેમજ સ્ક્રીન કેમેરા અને પ્રિન્ટર સહિતની ચીજ-વસ્તુ ભાંગીને ભૂક્કો થઇ ગયેલ હતી. જોગાનું જોગ શનિવાર હોવાના કારણે અને કચેરીમાં આવતા અરજદારો અને ખેડૂતો તેમજ કર્મચારીઓ ઓફિસ બહાર બેઠા હોવાથી જાનહાનિ ટળી હતી.