ઉના, તા.૧૩

ઉના પંથકમાં રાત્રીના સમયે ધોધમાર વરસાદથી ફરી નદી નાળા ડેમો છલકાયા હતા અને નદીઓમાં નવાનીર જોવા મળી રહ્યા છે. ગીર જંગલના ઉપરવાસમાં તેમજ ગીરના નજીકના ગામમાં ધોધમાર વરસાદથી તમામ નદીઓમાં ધોડાપુર આવ્યું હતું. ઉના પંથકના સામતેર, કાણકબરડા, ઉમેજ, સનખડા, ગાંગડા, ખત્રીવાડા, ઉંટવાળા, મોઠા, સૈયદરાજપરા, સહીત ગામોમાં પાંચ ઇંચ વરસાદ વરસી જતાં અમુક ગામોમાં નિચાણવાળા ધરોમાં પાણી ધુસી ગયા હતા. જ્યારે નદીઓમાં ધોડાપુર આવતા અનેક ગામો સંપર્ક વિહોણુ બની ગયેલ અને ખેતીની જમીનોમાં જાણે તળાવ ભરાયા હોય તેવા દૃશ્યો સર્જાયા હતા અને ખેતી પાક સદંતર નિષ્ફળ જવાની ભીતી ખેડૂતોમાં સેવાય હતી. ઉના પંથકની મચ્છુન્દ્રી, રાવલ, શાહી, માલણ સહિતની નદીઓમાં ધોડાપુર આવેલ હતું. ગીરગઢડા ૧ ઇંચ તેમજ દેલવાડા, સીમાસી, કેસરીયા, જરગલી, કાજરડી, તડ, સહિત ગામોમાં ૧થી ૨ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

સૈયદરાજપરા ગામ દરિયા કાંઠા વિસ્તારનુ છેવાડાનું ગામ હોય ભારે વરસાદના કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. ત્યારે ગત રાતથી ભારે વરસાદના કારણે ગામમાં આવેલ ખાણ વિસ્તારમાં પાણી ભરાતા ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. ઘરોમાં પાણી ઘૂસવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડેલ હતો.

ઉનાના ખત્રીવાડા ગામ રહેતા ઉકાભાઇ પાચાભાઇ પામકના રહેણાંક મકાન પર બપોરના સમયે કડાકા સાથે વિજળી પડતા ઘરના મકાનની દિવાલોમાં તિરાડો પડી ગયેલ અને ઇલેક્ટ્રીક વિજ ઉપકરણો ટીવી, ઇલેકટ્રીક બોર્ડ સહિત વસ્તુઓ બળી ગયેલ હતી. જ્યારે મકાનની દિવાલોમાં મોટા ગાબડા પડેલ જોકે કોઇ જાનહાની થઇ ન હતી.

ઉનાના ઉમેજ ગામે આવેલા નળીયાવાળા કાચા મકાનો ધરાશાયી થવાના વધુ બનાવો થઇ બની રહ્યા છે. ત્યારે રાત્રીના ભારે વરસાદના લીધે પ્લોટ વિસ્તારમાં વધુ બે મકાન ધરાશાયી થયા હતા.

ગીરગઢડાના રસુલપરા ગામ જગદીશભાઈ નનાભાઈ કાતરીયા તેમજ સરપંચ ગોપાલભાઈ જીંજાળાએ તાલુકા સતત અવિરત વરસાદ પડવાથી કપાસ મગફળી, એરંડા, જુવાર, બાજરી જેવા પાકોને ભારે નુક્સાન થયું છે.  જ્યારે ભુગર્ભ તળ ઊંચા આવતા કૂવા-બોરમાંથી પાણી વહેવા લાગ્યા છે. ત્યારે ખરીફ પાક પણ નિષ્ફળ ગયેલ છે. ત્યારે આ તાલુકાને લીલો દુષ્કાળ જાહેર કરવા ખેડૂતોની માંગ ઉઠી રહી છે.

ગીરગઢડાના વાજડી ગામે શાહિ નદી પરનો કોઝવે બેઠો પુલ હોવાથી પુરનું પાણી અવાર નવાર ફરી વળે છે. જેને લઇને ગ્રામજનોને અવર જવર થઇ શક્તી નથી. અને પાણી ઓસરે ત્યા સુધી કલાકો સુધી બેઠી રહેવું પડે છે. ક્યારેક વહેણમાં મોટર સાયકલ, રીક્ષા, ટ્રેક્ટર જેવા વાહનો અવાર નવાર ફસાઈ જાય છે. જેથી ભારે હાલાકી ભોગવવી પડે છે. આ બેઠા કોઝવેને પાંચ ફૂટ  ઉંચો કરી દેવામાં આવે તો વાજડી ગામનો કાયમી પ્રશ્ન હલ થઇ શકે છે. તેવી ગ્રામજનોની માંગ ઉઠી રહી છે.