ઉના, તા. ર૪
ઉના તાલુકાના અમોદ્રા ગામે બપોરના સમયે સિટી કેબલ વાયરને સાંધો મારવા ઉનાથી ગયેલા સીટીકેબલના વાયરમેનને શોર્ટ લાગતા તેનુ મોત નિપજતા ભારે અરેરાટી ફેલાયેલ છે.જાણવા મળતી વિગત મુજબ અમોદ્રા ગામે નાઠેજથી અમોદ્રા વચ્ચે આવેલ વાડી વિસ્તારમાથી પસાર થતી સીટીકેબલની ફાઇબર લાઇનમા ફોલ્ટ હોવાથી સીટીકેબલના વાયરમેન લાલજીભાઇ લખમણભાઇ વાજા (ઉ.વ.૪૨) રીપેરીંગ કરવા ગયેલ. ફાઇબર લાઇનમાં સાંધા મારતા હતા. તે દરમ્યાન વિજળીનો પાવર અચાનક આવી જતા ભારે શોર્ટ લાલજીભાઇને લાગતા ઘટના સ્થળે ગંભીર બની ગયેલા અને તેનું મોત નિપજતા આ સમાચાર વાયુવેગે ફેલાતા મરણજનારના પરીવારો અને સગા સંબધી અને સિટી કેબલના સંચાલકો ઘટના સ્થળે દોડી ગયેલ હતા. મૃતદેહને ઉના સરકારી દવાખાને પીએમમાં ખસેડેલ છે. મરણજનારને સંતાનમાં એક દિકરી અને એક દિકરો નાની વયના હોય આ ઘટના બનતા સમગ્ર સમાજમાં ભારે શોકની લાગણી ફેલાયેલ છે. આ બનાવની તપાસ ઉના પોલીસ ચલાવે છે.