(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
ઉન્નાવ અને કઠુઆમાં થયેલા બળાત્કારના મુદ્દે ચૂપકીદી અંગે આમ આદમી પાર્ટી રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસે ઘેરો કરશે. મીડિયાને સંબોધતા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ રાવે કહ્યું કે, મહિલાઓ સામે વધતા જતા હિંસક હુમલા અંગે તેમનો પક્ષ રાષ્ટ્ર વ્યાપી અભિયાન ચલાવશે. જ્યારે દેશ મુશ્કેલીમાં છે ત્યારે વડાપ્રધાન મૌન બન્યા છે. શા માટે તેઓ મૌન છે ? શું કારણ ? મનમોહનસિંહ પણ આવા સમયે બોલતા હતા. રાવે આરોપ મૂક્યો કે ભાજપની યુપીની યોગી સરકાર ઉન્નાવ રેપ કાંડના આરોપીને બચાવવા પ્રયાસ કરે છે. ભાજપના ધારાસભ્યની ધરપકડ કરવી જોઈએ. આરોપીની સુરક્ષાનો અંત લાવવો જોઈએ. રવિવારે સાંજે આપ નેતાઓ મેટ્રો સ્ટેશનથી મોદી નિવાસ સુધી કૂચ કરશે. જ્યારે પૂછાયું કે પોલીસે રેલીની પરવાનગી આપી છે ? રાવે કહ્યું કે મહિલાઓ પર હુમલા પોલીસ પરવાનગીથી થયા હતા ? અમે ફક્ત વડાપ્રધાનને જાણવા માંગીએ છીએ.