(એજન્સી) લખનઉ, તા.૧૨
ઉન્નાવ ગેંગરેપકાંડમાં ઘેરાયેલા ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરે ભલે જ સરેન્ડર કર્યું હોય પરંતુ આ મામલામાં ઉત્તર પ્રદેશની યોગી સરકાર સંપૂર્ણ એક્શનમાં છે. એસઆઇટી રિપોર્ટ આવ્યા બાદ યોગી સરકારે આ મામલાની તપાસ સીબીઆઇ પાસે કરાવવાનો નિર્ણય લીધો છે. મામલાની તપાસ કરી રહેલી એસઆઇટીનો રિપોર્ટ બુધવારે મોડી રાત્રે સીએમ સુધી પહોંચ્યા બાદ સીએમ યોગીએ મામલાની સીબીઆઇ તપાસ કરાવવા ઉપરાંત આકરા નિર્ણય લીધા છે. યોગીએ આ મામલામાં સખતાઇથી આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર સામે નવેસરથી એફઆઇઆર નોંધવાનું પણ કહ્યું છે. સાથે જ પીડિત પરિવારને સુરક્ષા આપવાનો આદેશ પણ આપી દીધો છે.
એટલું જ નહીં, આરોપી ધારાસભ્ય અને તેમના મળતિયાઓ સામે ગેંગરેપ અને પીડિતાના પિતા સાથે મારપીટ કરવાનો કેસ પણ નોંધવામાં આવશે. સરકારે રેપ પીડિતાના પરિવારને સંપૂર્ણ સુરક્ષા આપવાની ખાતરી પણ આપી છે. એસઆઇટીનો રિપોર્ટ આવ્યા બાદ અન્ય કેટલાક અધિકારીઓ સામે પણ પગલાં ભરવામાં આવ્યા છે. સફીપુરના સીઓ કુંવર બહાદુરસિંહને પીડિત પરિવારની સતત ફરિયાદ મળ્યા બાદ પણ કાર્યવાહી નહીં કરવા બદલ સસ્પેન્ડ કરી દેવાયા છે.
કુલદીપસિંહ પોતાના સમર્થકો સાથે એસએસપી ઓફિસે પહોંચ્યા હતા ત્યારે આ મામલાની તપાસ કરી રહેલી એસઆઇટીનો રિપોર્ટ ટોચના અધિકારીઓ પાસે થઇને સીએમ યોગીના ટેબલ પર પહોંચી ગયો હતો. રિપોર્ટ વાંચ્યા બાદ યોગી સરકારે અન્ય કેટલાક આકરા નિર્ણયો લીધા હોવાથી ભાજપના આ બાહુબલી ધારાસભ્યની મુશ્કેલીઓ વધી શકે છે.
યોગી સરકારે રેપના આરોપો પર ધારાસભ્ય અને તેમના સાથીઓ પર જુદી-જુદી કલમો હેઠળ એફઆઇઆર નોંધવાનું કહ્યું છે. ૩જી એપ્રિલે ગેંગરેપ પીડિતાના પિતા સાથે થયેલી મારપીટની ઘટનાની ફરી તપાસ થશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઇન્ટરનલ બ્લીડિંગને મોતનું કારણ બતાવવામાં આવ્યું હતું. પોલીસે આ મામલામાં ધારાસભ્યના ભાઇ અતુલસિંહ સેંગર અને તેના મળતિયાની ધરપકડ કરી છે.

બેદરકારી બદલ ઘણા ડોક્ટરો સામે પણ કાર્યવાહી

યોગી સરકારે આ મામલામાં બેદરકારી કરનારા ઘણા ડોક્ટરો સામે પણ કાર્યવાહી કરી છે.સીએમએસ ડોક્ટર ડીકે દ્વિવેદી અને ઇએમઓ ડોક્ટર પ્રશાંત ઉપાધ્યાયને સસ્પેન્ડ કરી દેવાયા છે. જ્યારે મારપીટ બાદ યોગ્ય ઇલાજ નહીં કરવાના આરોપમાં અન્ય ત્રણ ડોક્ટર સામે પણ શિસ્તભંગની કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

ધારાસભ્યની ધરપકડ અંગે CBI નિર્ણય લેશે : ડીજીપી

રેપના આરોપી ભાજપના ધારાસભ્યને ડીજીપી એ ‘માનનીય’ કહ્યું
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ડીજીપી ઓમપ્રકાશસિંહે ગેંગરેપના આરોપી સેંગરને ‘માનનીય ધારાસભ્ય’ કહીને સંબોધતા પત્રકારોએ પ્રશ્ન કર્યો તો તેમણે કહ્યું કે અત્યારે ધારાસભ્યને આ કેસમાં દોષિત ઠરાવવામાં આવ્યા નથી, તેથી ‘માનનીય ધારાસભ્ય’ કહેવાનું ખોટું નથી. તેમણે કહ્યું કે ઉન્નાવ રેપ કેસ હવે સીબીઆઇને સોંપી દેવામાં આવ્યો છે. સીબીઆઇ ગુણ-દોષને આધારે ધારાસભ્યની ધરપકડ કરવી કે કેમ, એ બાબતે નિર્ણય લેશે. આરોપી ધારાસભ્યને કોઇ બચાવી રહ્યું નથી. ધારાસભ્ય સામે કેસ નોંધી લેવામાં આવ્યો છે.
જ્યારે રાજ્યના પ્રિન્સિપલ સેક્રેટરી (ગૃહ) અરવિંદ કુમારે પ્રેસ કોન્ફરન્સ યોજીને કેસ સીબીઆઇને સોંપવાની માહિતી આપી છે. તેમણે સમગ્ર ઘટનાક્રમની માહિતી આપી છે. પીડિતાના પિતાના મોત અંગે જિલ્લા હોસ્પિટલ અને જેલના સ્તરે મુકાયેલા કેટલાક આરોપોની અલગ તપાસ કરાઇ છે. આરોપી ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર પોલીસે ગાળિયો મજબૂત કરવાનું શરુ કરી દીધું છે. વધી રેહલા દબાણ વચ્ચે આરોપી ધારાસભ્ય સામે ગુરુવારે પોલીસે એફઆઇઆર નોંધી લીધી છે.

આરોપી ધારાસભ્ય સામે કેસ નોંધાયો
પીડિતા સગીર હોવાથી પોક્સો એક્ટ લાગ્યો

(એજન્સી) નવી દિલ્હી,તા.૧ર
ઉન્નાવના ગેંગરેપ કેસમાં હવે આરોપી ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર સામે કાર્યવાહી થઇ છે. ધારાસભ્ય સામે પોલીસે કેસ નોંધી લીધો છે. પીડિતા સગીર વયની હોવાથી આરોપી સામે પોક્સો એક્ટની કલમ લગાડવામાં આવી છે. બુધવારે રાત્રે ધારાસભ્યે લખનઉ એસએસપી આવાસે પહોંચીને તાકાતનું પ્રદર્શન કર્યું હતું. ત્યાર પછી ગુરુવારે પોલીસે આ કાર્યવાહી કરી છે. પીડિતાની માતાની લેખિત ફરિયાદને પગલે ઉન્નાવના માખી પોલીસ મથકે આરોપી ધારાસભ્ય સામે આઇપીસીની કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬, ૫૦૬ અને પોક્સો એક્ટમાં કેસ નોંધાયો છે. કુલદીપસિંહ સાથે એફઆઇઆરમાં શશિસિંહનું પણ નામ છે.

ઉન્નાવ રેપ કેસ અંગે મૌન બદલ પીએમ મોદી પર કોંગ્રેસના પ્રહાર

ઉન્નાવ રેપ કેસ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મૌન બદલ કોંગ્રેસે ગુરુવારે વડાપ્રધાન સામે પ્રહારો કર્યા છે અને એવો પ્રશ્ન કર્યો છે કે ભાજપના આરોપી ધારાસભ્યની હજીસુધી શા માટે ધરપકડ કરવામાં આવી નથી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે એવો પણ આક્ષેપ કર્યો કે સમગ્ર દેશમાં મહિલાઓ સામેના અપરાધ વિશે મોદી ગંભીર નથી. સિબ્બલે રેપની ઘટનાઓ અંગે ઉપવાસ રાખવા અને ઉન્નાવના રેપ કેસ અંગે યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સામે વિરોધ નોંધાવવાનું પણ વડાપ્રધાનને કહ્યું છે.

યોગી અને તેમના ‘રાવણ’ શાસન દૂર કરો : કોંગ્રેસ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૧
ઉત્તર પ્રદેશમાં ઉન્નાવ જિલ્લામાં સગીરા પર ભાજપના ધારાસભ્ય દ્વારા ગેંગરેપ અને પોલીસ કસ્ટડીમાં પીડિતાના પિતાના મોત બાદ મહિલાઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ નીવડેલા રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની હકાલપટ્ટી કરવાની માગણી કરી છે અને આદિત્યનાથ સરકારને રાવણનું શાસન ગણાવ્યું છે. એક અલગ ટિ્‌વટમાં કોંગ્રેસે જણાવ્યું કે યોગી સરકારે ભાજપના એક ભૂતપૂર્વ પ્રધાન સ્વામી ચિન્મયાનંદ સામેનો કેસ પાછો ખેંચી લીધો છે. સરકારના આ પગલાથી અપરાધીઓ વધુ મજબૂત થશે અને રાજ્યમાં મહિલાઓની સુરક્ષા સામે ભય ઉભો થશે. ઉત્તર પ્રદેશમાં મહિલાઓ સામેના ગુનાઓમાં તીવ્ર ધારો થયો છે.

રાહુલ ગાંધીએ મોદીના ઉપવાસને ઉન્નાવના કેસ સાથે જોડ્યો

સંસદના સત્રમાં કાર્યવાહી નહીં થવા બદલ આવતીકાલે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના પ્રધાનો સાથે ઉપવાસ કરવાના છે. મોદીના ઉપવાસના પ્લાનને લક્ષ્યાંક બનાવીને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ઉન્નાવના કેસને ટાંક્યો છે. પોતાના ટિ્‌વટમાં રાહુલ ગાંધીએ લખ્યું છે કે ઉત્તર પ્રદેશમાં પોતાની પુત્રીને ન્યાય અપાવવાની હાકલ કરનારા પિતા પર ગુજારવામાં આવેલા અત્યાચારો માનવજાત માટે શરમજનક છે. એવી આશા રાખવામાં આવે છે કે ભાજપના શાસન હેઠળ વધી રહેલી અરાજકતા, કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા તેમ જ મહિલાઓ સામેની હિંસા અંગે વડાપ્રધાન ટુૂંક સમયમાં ઉપવાસ કરશે. કોંગ્રેસ પક્ષે આરોપી ધારાસભ્યને છાવરવાનો યોગી આદિત્યનાથ સરકાર સામે આક્ષેપ કર્યો છે.