રાહુલ ગાંધીએ ભાજપ શાસિત ઉત્તરપ્રદેશની યોગી સરકારની તીવ્ર ઝાટકણી કાઢી હતી. સામૂહિક બળાત્કાર પીડિતાના પિતાનું મૃત્યુ પોલીસ કસ્ટડીમાં થતા રાહુલે ઝાટકણી કાઢી હતી. એમણે લખ્યું હતું કે, શાસક પક્ષના ધારાસભ્ય જેમની ઉપર બળાત્કારના આક્ષેપો છે એ હજુ પણ મુક્ત ફરી રહ્યો છે જ્યારે પીડિતાના પિતાની પોલીસ ધરપકડ કરે છે. એમણે ભાજપ સરકારના બેટી બચાવો, બેટી પઢાઓ સૂત્રની પણ ટીકા કરી હતી. એમણે ટોણો મારતા ટ્વીટ કર્યું, છોકરીનું રક્ષણ કરો, તમારી ભલે હત્યા કરાય. એક યુવતી ભાજપ ધારાસભ્ય સામે બળાત્કારના આક્ષેપો કરે છે. પોલીસ આરોપી ધારાસભ્યની ધરપકડ કરવાના બદલે યુવતીના પિતાની ધરપકડ કરે છે અને તરત જ પોલીસ કસ્ટડીમાં એમનું મૃત્યુ થાય છે. દરમિયાનમાં આરોપી ધારાસભ્ય હજુ પણ મુક્ત રીતે ફરી રહ્યો છે. એમણે એક બીજા સમાચારનું સંદર્ભ આપી લખ્યું કે, પીડિતાના પિતા જેમણે મુખ્યમંત્રી યોગીના ઘરની બહાર આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો, એમનું મૃત્યુ પોલીસ કસ્ટડીમાં થયું. આ પહેલાં કોંગ્રેસ પ્રવક્તા સૂરજેવાલાએ પણ આ ઘટનાને ગંભીર અને જંગાલિયતભરી દર્શાવી હતી અને ઉત્તરપ્રદેશમાં ગુંડારાજ પ્રવૃત્તિ રહેલ છે એ પ્રકારની ટ્વીટ કરી હતી. ૧૮ વર્ષીય યુવતીએ ફરિયાદ કરી હતી કે ભાજપના ધારાસભ્ય કુલદીપસિંઘ સેંગર અને એના ભાઈઓએ એની ઉપર બળાત્કાર કર્યું હતું. ઉન્નાવ જિલ્લાના બંગરમાઉ મતવિસ્તારમાંથી ચૂંટાયેલ ધારાસભ્યે પોતાની ઉપર મૂકાયેલ આક્ષેપોનો ઈન્કાર કર્યો છે. એમણે કહ્યું રાજકીય દ્વેષથી મારી ઉપર ખોટા આક્ષેપો મૂકાઈ રહ્યા છે.
ઉન્નાવ : બળાત્કાર પીડિતાના પિતાની પોલીસ કસ્ટડીમાં થયેલ મૃત્યુ સંદર્ભે રાહુલ ગાંધીએ યોગી સરકારની ઝાટકણી કાઢી

Recent Comments