(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉ અને મોટું વેપાર કેન્દ્ર કાનપુર વચ્ચે આવેલું ઉન્નાવ એક ઔદ્યોગિક શહેર છે. ઉન્નાવ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર માટે એક માથાનો દુખાવો બની ગયું છે. કુલદીપસિંહ સેંગર પક્ષ બદલનાર રાજકારણી છે અને એક સગીરા પર દુષ્કર્મ કરીને તેમણે રાજ્યની ભાજપ સરકાર સામે માત્ર ઉત્તર પ્રદેશમાં જ નહીં સમગ્ર દેશમાં આક્રોશ ઉભો કરી દીધો છે. અગાઉ, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટીમાં રહેલા કુલદીપસિંહ સેંગર ઉન્નાવમાં ભય અને નાણાનું પોતાનું રાજકીય સામ્રાજ્ય ચલાવે છે. કુલદીપસિંહ સેંગર ઉન્નાવના રેપ કેસમાં મુખ્ય આરોપી છે. ઉન્નાવના માખી ગામમાં પોતાના નિવાસસ્થાને કુલદીપે એક સગીરા પર બળાત્કાર કર્યો હતો. દુષ્કર્મ પીડિતા ભાજપના શક્તિશાળી ધારાસભ્યના રહેણાંક વિસ્તારમાં જ રહે છે. પીડિતાની ફરિયાદ મુજબ કુલદીપે તેના પર ૨૦૧૭ની ૪થી જૂને બળાત્કાર કર્યો હતો. એટલું જ નહીં, બળાત્કાર ગુજાર્યા પછી ભાજપના દબંગ ધારાસભ્યે પીડિતાને એવી ધમકી પણ આપી હતી કે જો તે આ બળાત્કાર વિશે કોઇને પણ કહેશે તો તેના પિતા અને કાકાની હત્યા કરી નાખવામાં આવશે. ૧૧મી જૂને સગીરાનું અપહરણ કરાયું હતું અને તેને કુલદીપના ઘરે લઇ જવામાં આવ્યું હતું અને ફરી તેના પર ત્યાં કુલદીપના ભાઇ અતુલ સેંગર સહિત કેટલાક નરાધમો દ્વારા સામુહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ૨૦૧૭ની ૨૨મી જૂને ગેંગરેપની પીડિતાના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી પરંતુ ફરિયાદમાં પોલીસે આરોપી તરીકે કુલદીપસિંહનું નામ સામેલ કર્યું ન હતું. પીડિતા ભારે ભયભીત થઇ ગઇ હતી અને તેને દિલ્હીમાં તેના કાકાને ત્યાં મોકલી દેવાઇ હતી ત્યાં તેણે તેની કાકીને બળાત્કાર વિશે સંપૂર્ણ માહિતી આપી હતી. પીડિતા અને તેના કાકાએ કુલદીપ સામેબળાત્કારનો આરોપ મુકતા પત્ર સાથે સીએમ યોગીને મળ્યા હતા. યોગીએ ન્યાયની ખાતરી આપી હતી. ત્યાર પછી તેમની ફરિયાદ ઉન્નાવ મોકલી દેવાઇ હતી પરંતુ ત્યાંના અધિકારીઓએ ભાજપના ધારાસભ્યની વગને કારણે તેમની અને તેના મળતિયા સામે કોઇ પગલાં ભર્યા ન હતા. પીડિતાની માતાએ ૨૦૧૮ની ૧૨મી ફેબ્રુઆરીએ ફરી એફઆઇઆર નોંધાવી હતી. માખી ગામમાં પીડિતાની માતા સિવાય પરિવારના કોઇ સભ્ય રહેતા ન હતા. બીજી એપ્રિલે પીડિતાની માતાની તબિયત બગડતા તેના પીતા દવા આપવા માટે ગામમાં ગયા ત્યારે કુલદીપના મળતિયાઓ તેમને ઢોર માર માર્યો. પોલીસ વાળાઓ ત્યાં હાજર હોવાછતાં કોઇએ તેમને ન બચાવ્યો. ઉલ્ટાનું ભાજપના ધારાસભ્યે તેની સામે આર્મ્સએક્ટ હેઠળ કેસ કરીને તેના જેલ ભેગા કરી દીધો. પોલીસ કસ્ટડીમાં પણ પીડિતાના પિતા પર ભારે ત્રાસ ગુજારવામાં આવ્યો અને અંતે તેનું મૃત્યુ નીપજ્યું. ઉન્નાવના ગેંગરેપના કેસમાં પોલીસ અને રાજ્‌ય સરકાર સામે સમગ્ર દેશમાં રોષ ભભૂકી ઉઠ્યો . રાજ્યસરકારની પણ ચોમેરથી આકરી ટીકા થઇ. પોલીસે કુલદીપ સામે કોઇ કાર્યવાહી ન કરી. રાજ્ય સરકારે આ કેસની તપાસ એસઆઇટીને સોંપી. એસઆઇટીનો રિપોર્ટ આવ્યા પછી સરકારે આ કેસ સીબીઆઇને સોંપવાનો નિર્ણય લીધો અને હવે આ કેસની સીબીઆઇએ તપાસ શરૂ કરીને કુલદીપસિંહની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.