(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૯
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં ગત તા.૭મી જુલાઈના રોજ સોનગઢ અને ઉકાઈમાં થયેલ વરસાદના પગલે નવા નીરની આવક થઇ હતી. બે દિવસ દરમિયાન ઉકાઈ ડેમની સપાટી સવા ફૂટ જેટલી વધી છે. ઉપરવાસમાં મહારાષ્ટદ્ર અને મધ્યપ્રદેશના કેચમેન્ટ એરિયામાં પણ વરસાદ નોંધાયો છે. સિંચાઈ વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત ચોવીસ કલાક દરમિયાન ઉકાઈના ઉપરવાસમાં આવેલ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ગેજસ્ટેશનમાં વરસાદની હાજરી નોંધાઈ છે. ટેસ્કામાં ૩ મીમી, લખપુરીમાં ૩૪ મીમી, ચીખલધરામાં ૨ મીમી, દેડતલાઈમાં ૨ મીમી, ભુસાવલમાં ૩ મીમી, ગીરનાડેમમાં ૩૪ મીમી, દહીગામમાં ૩ મીમી, ધુલીયામાં ૧૨ મીમી, સાવખેડામાં ૨ મીમી, ગીધોડમાં ૩ મીમી, સારનખેડામાં ૧૬ મીમી, ખેતિયામાં ૬૨ મીમી અને નંદરબારમાં ૫ મીમી જેટલો વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં થયેલ વરસાદના પગલે તાપી નદીમાં નવા નીર ઉમેરાયા છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટની સામે આજે ડેમની સપાટી ૨૮૬.૨૩ ફૂટ છે.