અંકલેશ્વર, તા.૩૦
ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ભરૂચ ગોલ્ડન બ્રિજની જળસપાટીમાં સતત વધારો નોંધાય રહ્યો છે અને પૂરથી પ્રભાવિત થતાં અંકલેશ્વરના ૧૩ જેટલા ગામોમાંથી લોકોનું સુરક્ષિત રીતે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉપરવાસમાં વરસેલા વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમ છલકાયો છે અને ડેમમાંથી અવિરત રીતે અંદાજિત ૮થી ૧૦ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે જેના કારણે નર્મદા નદીના દક્ષિણ છેડે ગોલ્ડન બ્રિજની જળસપાટીમાં ઝડપી વધારો નોંધાય રહ્યો છે. આજરોજ બપોરના બે કલાક દરમ્યાન ગોલ્ડન બ્રિજની જળસપાટી ૨૮ ફૂટને વટાવી દીધી હતી.
નર્મદા નદીના કિનારે વસેલા ૧૩ જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા હતા અને અત્યાર સુધી ૩૫૦થી વધુ લોકોનું તંત્ર દ્વારા સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું. જ્યારે અંકલેશ્વરના પ્રાંત અધિકારી રમેશ ભગોરા, મામલતદાર, ટીડીઓ સહિતની ટીમે સંભવિત પૂરની પરિસ્થિતિ પર મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે.