(એજન્સી) તા.૭
સંપૂર્ણપણે ભૂલવા યોગ્ય એવા વિરામ બાદના બજેટ સત્ર પર વ્યથા વ્યક્ત કરતા રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુએ શુક્રવારે જણાવ્યું હતું કે રાજ્યોની પરિષદના બનેલ બીજા ગૃહ માટે જરૂરિયાત અને યથાર્થતા પર પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ જે ભય વ્યક્ત કર્યો હતો તે હવે સાચો પડી રહ્યો છે.
એમ. વેંકૈયા નાયડુએ રાજ્યસભાના ૨૪૫માં સત્રના સમાપન વેળા પોતાના સમાપન વક્તવ્યમાં આ વાત કરી હતી. બજેટ સત્રનો બીજો તબક્કો વિવિધ મુદ્દે વિપક્ષોના હંગામાને કારણે સંપૂર્ણપણે ધોવાઇ ગયંુ હતું. અધ્યક્ષ વેંકૈયા નાયડુએ તેના પર ખેદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે લોકોની ચિંતાઓ અને અપેક્ષાઓ પૂરી કરવામાં આપણું યોગદાન નહી બરોબર રહ્યું.
રાજ્યસભાના અધ્યક્ષ નાયડુએ જણાવ્યું હતું કે આપણા દેશના ભાવિ વિધાનગૃહનું માળખું અને કામગીરી પર રિપોર્ટ કરવા માટે નિમાયેલી યુનિયન કોન્સ્ટીટ્યૂશન કમિટીના વડા તરીકે પંડિત જવાહરલાલ નહેરુએ ૧૯૩૬માં એવી ભીતિ વ્યક્ત કરી હતી કે બીજુ ગૃહ (રાજ્યોની પરિષદ) નીચલા ગૃહની કોઇપણ પ્રગતિશીલ પ્રવાહને અટકાવશે અને પ્રત્યાઘાતી હશે.
શું આપણે નહેરુના ભયને સાચો પાડી રહ્યા છીએ ? સંસદીય લોકતંત્ર અને પ્રજા માટે આપણે તેમના આ ભયને સાચો પાડવો જોઇએ નહીં. વેંકૈયા નાયડુએ વધુમાં જણાવ્યું હતું કે આ સત્ર અગ્રણી રીતે ભુલવા યોગ્ય જોવા મળ્યંુ હતું કારણ કે ગુમાવેલી તકો તેમજ સંસદીય સંસ્થા અને તેની જવાબદારીના જનાદેશની સંંપૂર્ણપણે ઉપેક્ષા સમાન સત્ર રહ્યું હતું.
અહીં ખરડાના સંપૂર્ણપણે અવરોધ અને જાહેર ચિંતાના મુદ્દાઓની તદ્દન ઉપેક્ષા જોવા મળી હતી. આપણે આ ગૃહ પ્રગતિના ચક્રમાં નડતરરુપ પક્ષકાર બનવું જોઇએ નહીં. તમારે પંડિત જવાહર નહેરુ દ્વારા વ્યક્ત કરવામાં આવેલ ભયને ફગાવી દેવો જોઇએ કે જેમણે આ ગૃહની ઉપયોગિતા અંગે વાંધો હોવા છતાં તેને સાકાર કરવામાં સમર્થન આપ્યું હતું. વેંકૈયા નાયડુએ રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ સર્વપલ્લી રાધાકૃષ્નનના વક્તવ્યનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે આ લાંબા સત્રના અંતમાં આપણા દેશના લોકોની ચિંતા પર ધ્યાન આપવા અને તેમની વાસ્તવિક અપેક્ષાઓને આગળ વધારવામાં આપણું કેવું યોગદાન રહ્યું એ જણાવવા માટે આપણી પાસે કંઇ પણ નથી.
આ સત્ર દરમિયાન રાજ્યસભાની કામગીરી પર રિપોર્ટ કાર્ડ આપતા નાયડુએ નોંધ્યું હતું કે નાણાકીય વર્ષ માટેની જનરલ બજેટ પરની ચર્ચા પણ સતત અવરોધને કારણે થઇ શકી ન હતી. અવરોધના કારણે ગૃહના કિંમતી ૧૧૩ કલાક બરબાદ થઇ ગયા હતા અને માત્ર ૪૩ કલાક જ કામકાજ થયું હતું. તેમણે જણાવ્યું હતું કે ગ્રેચ્યુટિ પેમેન્ટ સુધારા વિધેયક ચર્ચા વગર પાસ કરવા સિવાય ગૃહમાં કોઇ પણ ખરડાને લગતી કાર્યવાહી થઇ શકી ન હતી.