(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩૦
સુરત જિલ્લામાં પણ કોરોના વાયરસે પગ પેસારો કર્યો છે. ગુરૂવાર સુધી સુરત જિલ્લામાં ૨૬ કેસો નોંધાયા હતા. ગુરૂવારે વધુ એક ઉમરપાડા તાલુકામાં પોઝિટિવ કેસ નોધાયો છે. ૨૭મીના રોજ રેન્જ આઇજીના ઓપરેશન ગ્રુપે બુટલેગરને ઝડપી પાડ્યા બાદ તેના સેમ્પલો લેતા રીપોર્ટ પોઝિટિવ આવતા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. તેને પકડનારા પી.એસ.આઇ. સહિતના લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. સુરત રેન્જ આઇજીની ઓપરેશન ગ્રુપે તા.૨૭મી એપ્રિલના રોજ ઉમરપાડા તાલુકાના નસારપુર ગામે રેડ કરી હતી. પોલીસે દારૂના જથ્થા સાથે ભુપેન્દ્ર ઉર્ફે ભુવો વસાવા નામના બુટલેગરને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ બુટલેગરના સેમ્પલો લેવામાં આવ્યા હતા. ગુરૂવારે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ભુપેન્દ્રને પકડનારા પી.એસ.આઇ. સહિતના કર્મચારીઓના સેમ્પલો લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય તંત્રએ નસારપુર ગામને ક્વોરન્ટાઈન કરી સેનિટાઇઝરની કામગીરી હાથ ધરી છે. આમ જિલ્લામાં અત્યાર સુધી કુલ ૨૭ કેસો સામે આવ્યા છે.