(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૪
નાદુરસ્ત તબિયતના કારણે વકીલ ગેરહાજરીની મુદ્દત અરજી આપ્યા બાદ ઉમરપાડા કોર્ટે પક્ષકારને વકીલ બદલી નાંખવા જણાવતા વકીલ આલમમાં ઘેરા-પ્રત્યાઘાત પડ્યા છે. આ અંગે ઉમરપાડા કોર્ટના સંબંધિત જજ સામે સુરત જિલ્લા વકીલ મંડળ સહિત સુરત જિલ્લા ન્યાયાધીશ અને ગુજરાત હાઇકોર્ટમાં લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
લેખિતમાં ફરિયાદ કરનાર એડવોકેટ એન.એસ.ચાવડાએ જણાવ્યું હતું કે, ગત તા.૧૨-૨-૨૦૧૯ના રોજ નાદુરસ્ત તબિયતના કારણે મુસાફરી થઇ શકે તેમ ન હોય, તેમણે અસીલ મારફતે ઉમરપાડા કોર્ટ ખાતે બે કેસોમાં મુદ્દત અરજી રજૂ કરી હતી. તેમના કહેવા મુજબ જે તે દિવસે ઉમરપાડા કોર્ટે તેમના અસીલને વકીલ બદલી નાંખવા માટે બોર્ડ ઉપરથી જણાવેલ. કોર્ટના જજ સીંધા અસીલને આ રીતે વકીલ બદલાવાની વાત કરતા સમગ્ર વકીલ આલમમાં છૂપો રોષ ફાટી નીકળ્યો હતો.
અસીલે કોર્ટના સંબંધિત જજ દ્વારા કહેવામાં આવેલી આ વાત એડવોકેટ ચાવડાને જણાવતા તેમને પણ આઘાત લાગ્યો હતો. આ બાબતે એડવોકેટ ચાવડાએ સુરત જિલ્લા વકીલ મંડળને સંબોધીને લેખિતમાં ઉમરપાડા કોર્ટના જજ સામે પગલા લેવા ફરિયાદ કરી છે. સદર ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ ૧૯૭૧થી વકીલાત કરે છે અને સુરતમાં અને તાબાની કોર્ટોમાં છેલ્લા ર૦ વર્ષથી પ્રેક્ટીસ કરતા આવેલા છે આ સાથે તેમણે સુરત ડિસ્ટ્રીકટ જજ અને ગુજરાત હાઇકોર્ટને પણ લેખિતમાં રજૂઆત કરી છે. આ લેખિત ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, વકીલ બદલાવી નાંખો, આવતી મુદ્દતે તમારો કેસ ચાલશે તેમ જણાવી અસીલ પાસેથી કેસ ચલાવવાની બાંહેધરી પણ લઇ લીધેલ. તેમનો પ્રશ્ન એ પણ હતો કે, શું કોર્ટના પ્રિસાઇડીંગ ઓફિસર પક્ષકારોને તેમના વકીલ બદલાવવા હુકમ કરી શકે ? તેમના કહેવા મુજબ અસીલને વકીલ બદલવા કહેવાનો ક્રોટને ન્યાયિક અધિકાર નથી. આવો હુકમ એકપક્ષી, આર્બીટરી અને ન્યાયના પ્રસ્થાપિત સિદ્ધાંતો વિરૂદ્ધ છે. ડાયસ ઉપરથી પ્રિસાઇડીંગ ઓફિસર માત્ર સુચન કરે તો પણ પક્ષકાર તેને આદેશ માને છે અને તે સુચન ઘણું વજનદાર હોય છે અને તેનો પક્ષકારો ઉપર પણ ઘેરો પ્રભાવ પડે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, થોડા માસ પહેલા સુરત ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં પણ એક જજે વકીલને તારો ચહેરો ગમતો નથી, એવું જણાવ્યું હતું, જેના કારણે વકીલ આલમમાં હોબાળો મચી ગયો હતો. જજોનું આવુ વર્તન વકીલોનું મનોબળ તોડવા સમાન હોવાનો આક્ષેપ તેમણે અંતમાં કર્યો હતો.