માંગરોળ,તા.૧૧
ખાતરના ભાવો એક તરફ વધી રહ્યા છે. તો બીજી તરફ અધિકૃત વેચાણ કરતા ખાતરના ડેપો ખાતેથી ખેડૂતો જે ખાતર ખરીદે છે. એમાં ઘટ આવે છે. જેને પગલે કોંગ્રેસ દ્વારા ઉમરપાડા ખાતે કાર્યરત ખાતરના ડેપો ઉપર જનતા રેડ કરવામાં આવી છે.
અતિ પછાત એવા તાલુકા મથક ઉમરપાડા ખાતે જી.એ.ટી.એલ. કિસાન સુવિધા કેન્દ્ર કાર્યરત છે. જે સરકારની જી.એસ.એફ.સી.ની સંપૂર્ણ સબસીડીયરી કંપની ગણાય છે. આ ખાતરના ડેપોનું સંચાલન કરતા સંચાલક દ્વારા અતિપછાત એવા ઉમરપાડા તાલુકાના અભણ અને ગરીબ ખેડૂતોની ધોળે દિવસે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હતી. આખરે ઉમરપાડા તાલુકા કોંગ્રેસના રામસિંહ વસાવા અને હરીશભાઈ વસાવાના નેતૃત્વમાં જનતા રેડ કરવામાં આવી હતી. જેમાં ખાતરની ગુણો ચેક કરતા ડી.એ.પી. ખાતરની ગુણમાં એક કિલો ખાતરની ધર પકડાઈ જવા પામી છે. આખરે જનતા રેડ કરનારાઓએ ત્વરીત ખાતરનું વેચાણ બંધ કરાવી દીધું છે.