(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા. ૩૧
હમીદપુરા ગામે મોટા ફળિયામાં રહેતા કમલેશભાઈ સોમાભાઈ સોલંકી ઉ.વ. ૨૨ ગઈકાલે સાંજે ૭ઃ૧૫ વાગ્યાના સુમારે પોતાના પીતરાઈ ભાઈ વિપુલકુમાર પરવતભાઈ સોલંકી ઉ.વ.૨૦ની સાથે વિપુલભાઈના બાઈક પર બેસી ઓડ ગામથી હમીદપુરા ગામ તરફ આવી રહ્યા હતા ત્યારે હમીદપુરા ગામ નજીક દાદુરામ મંદિર પાસે આવેલ સરકારી અનાજના ગોડાઉન સામે ઉમરેઠ તરફથી પુરપાટ ઝડપે આવતા આઈશરના ચાલકે મોટરસાયકલને ટક્કર મારતા કમલેશ અને વિપુલભાઈ ઉછળીને રોડ ઉપર પટકાયા હતા. જેઓને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ થતા બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અકસ્માત સર્જી આઈશરનો ચાલક આઈશર મુકી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને લઈને આસપાસના લોકો તેમજ ઉમરેઠ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી આ બનાવ અંગે સોમાભાઈ શંકરભાઈ સોલંકીની ફરિયાદના આધારે આઈશરના ચાલક વિરૂદ્ધ ઉમરેઠ પોલીસે ગુનો નોંધી આજે સવારે બંને મૃતદેહોના પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ તેઓના પરિવારજનોને સોંપાતા બંનેની એક સાથે અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.