(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૩૧
આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતીની કારોબારી બેઠક આજે આણંંદ ટાઉનહોલ ખાતે પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીનાં અધ્યક્ષ સ્થાને યોજાઈ ગઈ,જેમાં આગામી નગરપાલિકા અને લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરવા માટે સૌ કાર્યકરોને કામે લાગી જવા અનુરોધ કર્યો હતો.તેમજ ભાજપ છોડી કોંગ્‌્રેસમાં પુનરાગમન કરતા ઉમરેઠ તાલુકા પંચાયતનાં પૂર્વ પ્રમુખને આવકાર્યા હતા. આ પ્રસંગે કારોબારી બેઠકને સંબોધતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ગત વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસને થોડી બેઠકો ઓછી મળતા ભાજપ સત્તા સ્થાને આવી છે,પરંતુ ભાજપ લાંબી સત્તા ચલાવી શકવાની નથી,ભાજપમાં અસંતોષનો ચરુ ઉકળી રહ્યો છે,તેમજ પ્રજાનાં પ્રશ્નોનો ઉકેલ પણ ભાજપ સરકાર લાવી શકતી નથી જેનાં કારણે પ્રજામાં પણ ભાજપની સરકાર પ્રત્યે અસંતોષ પ્રવર્તી રહ્યો છે,ત્યારે કાર્યકરો અને પદાધિકારીઓએ સૌએ સાથે મળીને પ્રજાની વચ્ચે જઈને તેઓનાં પ્રશ્નોને વાચા આપવા અને ભાજપ સરકાર દ્વારા કરાતા અન્યાય સામે ન્યાય અપાવવા માટે અનુરોધ કર્યો હતો,તેમણે કહ્યું હતું કે આણંદ જિલ્લાની પાંચ નગરપાલિકાની ચુંટણીઓ યોજાઈ રહી છે. આ પ્રસંગે આંકલાવનાં ધારાસભ્ય અમિત ચાવડાએ કહ્યું હતું કે ગત વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસએ પાંચ બેઠકો પર વિજય મેળવ્યો છે,તેમજ માત્ર બે બેઠકો નજીવા સરસાઈથી ગુમાવી હતી,ત્યારે થયેલી હારમાં ભુલોને સુધારીને આવનારી નગરપાલિકા અને લોકસભાની ચુંટણીમાં તેઓએ સૌને મતભેદો અને અહમ ભુલીને અત્યારથી જ કામે લાગી જવા અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે આણંદનાં ધારાસભ્ય કાંતીભાઈ સોઢા,બોરસદનાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર,પેટલાદનાં ધારાસભ્ય નિરંજન પટેલ,તારાપુરનાં ધારાસભ્ય પુનમભાઈ પરમાર અને પ્રદેશ કોંગ્રેસનાં મંત્રી નટવરસિંહ મહિડાએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા,આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસનાં મંત્રી અને મુસ્લિમ અગ્રણી એમ જી ગુજરાતી,શહેર કોંગ્રેસ લધુમતી મોરચાનાં પ્રમુખ ઐયુબભાઈ બતોલા,આણંંદ જિલ્લા કોંગ્રેસ લધુમતી ડીપાર્ટમેન્ટનાં પ્રમુખ યુનુસભાઈ મુખી, જિલ્લા પંચાયતનાં પ્રમુખ કપીલાબેન ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.