(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૮
આણંદ જિલ્લામાં ઉમરેઠ તાલુકા પંચાયતની શીલી બેઠક તથા તારાપુર તાલુકા પંચાયતની બેઠક ૪ અને ૫ની ખાલી પડેલ બેઠક માટે પેટા ચૂંટણી રવિવારે યોજાનાર છે. જેને લઈને વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તમામ કામગીરી તૈયારઓ પુર્ણ કરવામાં આવી છે. આ ત્રણેય બેઠકો માટે ઈવીએમ તથા પોલીસ સ્ટાફ સહિત વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને આજે સવારે પોલીસ સ્ટાફ અને પોલીસ કર્મચારીઓ ઈવીએમ મશીન અને મતદાન સામગ્રી લઈને જે તે મતદાન મથક પર પહોંચી ગયા હતા. તો બીજી બાજુ રાજકીય પક્ષો દ્વારા આ ત્રણેય બેઠકો હાંસલ કરવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. તારાપુર અને ઉમરેઠ તાલુકાના કેટલાંક મતદાન મથકો ઉપર પેટા ચૂંટણી યોજાનાર છે. આ પેટા ચૂંટણીના મતદાનના દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને મતદાન મથકોની આજુબાજુમાં કોઇ અનિચ્છનિય બનાવ ન બને અને તેના કોઇ પ્રત્યાઘાત ન પડે તેમજ મતદાન શાંતિપૂર્ણ થાય તે માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.સી. ઠાકોરે તા. ૨૯/૧૨/૨૦૧૯ના રોજ મતદાનના દિવસે રાજ્ય ચૂંટણી પંચ, ગાંધીનગર દ્વારા માન્ય થયેલ મતદાન મથકોની અંદર તથા મતદાન મથકથી ૨૦૦ મીટરના અંતરમાં આવેલ વિસ્તારો માટે કેટલાંક પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.