(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
દિલ્હી રમખાણો મામલે પોલીસ દ્વારા ૧૧ કલાક લાંબી પૂછપરછ બાદ જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતા તથા સામાજિક કાર્યકર ઉમર ખાલિદની ધરપકડ કરી લેવાઈ છે. તેમની ધરપકડ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે કરી છે તેમની સામે યુએપીએ અંતર્ગત કાર્યવાહી કરાઈ છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં રાષ્ટ્રીય પાટનગરના ઉત્તર-પૂર્વના ભાગોમાં ફાટી નીકળેલા તોફાનોમાં કથિત ભૂમિકા બદલ ઉમર ખાલિદની ધરપકડ કરાઈ છે. ઉમર ખાલિદ સામે તોફાનોના એક અન્ય કેસમાં આકરો કાયદો યુએપીએ લગાવાયો છે. પોલીસ દ્વારા તેમનો મોબાઈલ ફોન પણ જપ્ત કરી લેવાયો હતો. ઉમર ખાલિદ યુનાઈટેડ અગેનસ્ટ હેટ ગ્રુપના સભ્ય છે અને આ ગ્રુપે જણાવ્યું છે કે, ૧૧ કલાકની પૂછપરછ બાદ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે દિલ્હી રમખાણોના કેસમાં ષડ્યંત્રકાર તરીકે ઉમર ખાલિદની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસ દિલ્હી રમખાણોની આડમાં વિરોધ પ્રદર્શનોને વળાંક આપી રહી છે અને તેનું અપરાધીકરણ કરી રહી છે તેમણે વધુ એક પીડિતને શોધી કાઢ્યો છે. અઠવાડિયાઓ સુધી ચાલેલા સીએએ અને એનઆરસીના વિરોધ પ્રદર્શનો પછી દિલ્હીના વિવિધ ભાગોમાં ૨૩થી ૨૬ ફેબ્રુઆરી વચ્ચે ફાટી નીકળેલા રમખાણોમાં ૫૦થી વધુ લોકો માર્યા ગયા હતા જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. કેટલાક લોકોને ગોળીથી મારી દેવાયા હતા. ઉમર ખાલિદની ધરપકડ એવી રાજકીય વિવાદ વચ્ચે થઈ છે જ્યારે રમખાણોમાં આરોપી તરીકે બહાર આવેલા નામોમાં સીપીએમના નેતા સીતારામ યેચૂરી અને સ્વરાજ અભિયાનના પ્રમુખ યોગેન્દ્ર યાદવનું નામ પણ આરોપનામામાં સામેલ છે. દિલ્હી પોલીસની પૂરક ચાર્જશીટમાં અર્થશાસ્ત્રી જયતિ ઘોષ, દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર અપૂર્વાનંદ અને ડોક્યુમેન્ટ્રી ફિલ્મમેકર રાહુલ રોયના નામો પણ સામેલ છે. દિલ્હીના જાફરાબાદ હિંસાના સંડોવણીના કેસમાં જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દેવાંગના કાલિતા તથા નતાશા નરવાલ ઉપરાંત જામિયા મિલ્લિયા ઈસ્લામિયા યુનિવર્સિટીની વિદ્યાર્થિની ગુલશિફા ફાતિમાને પણ આરોપી બનાવાઈ છે અને એવું કહેવાયું છે કે, ફેબ્રુઆરીમાં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ફેલાયેલા રમખાણો પણ આનું જ કારણ છે. આ તમામ ત્રણ વિદ્યાર્થિનીઓ સામે પણ યુએપીએ દાખલ કરાઈ છે. પૂર્ક ચાર્જશીટ તેમની વિરૂદ્ધ દાખલ કરાયેલી આરોપોમાં સંડોવણી દર્શાવે છે. દિલ્હીના ઉત્તર-પૂર્વ ભાગોમાં કથિત ભૂમિકામાં પણ ઉમર ખાલિદની ગયા મહિને પૂછપરછ કરાઈ હતી.