(એજન્સી) નવી દિલ્હી, તા.૫
જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટિ (જેએનયુ)ના પૂર્વ વિદ્યાર્થી નેતા અને કાર્યકર ઉમર ખાલિદે દિલ્હી પોલીસને સવાલ કર્યો હતો કે, ગત ફેબ્રુઆરી માસમાં ઉત્તર-પૂર્વ દિલ્હી સંબંધિત કેસમાં એફઆઈઆર ૧૦૧ હેઠળ સપ્લિમેન્ટરી ચાર્જશીટ મીડિયામાં કઈ રીતે લીક થઈ ગઈ. આ ચાર્જશીટ લીક થવાના કારણે તેમની સામે ઝેરી મીડિયા ટ્રાયલ શરૂ થઈ ગઈ હતી. આ મામલે આજે ખાલીદે પોતાના વકીલ મારફત દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી છે. તેમજ મીડિયાના વર્ગ સામે પોતાની જુબાની નોંધાવી હતી. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે, મે કોઈ નિવેદન પર હસ્તારક્ષર કર્યા નથી. એ વાત ખૂબ રસપ્રદ છે કે, ૨૬મી ડિસેમ્બરના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી પણ ખાલિદના વકીલને આ ચાર્જશીટની નકલ ચાર જાન્યુઆરી સુધી મળી ન હતી. ઉમર ખાલિદે જણાવ્યું હતું કે, હું એ વાત કહી રહ્યો છું કે, આરોપીને ચાર્જશીટની નકલ મળ્યા પહેલા મીડિયામાં આ પ્રકારનું રિપોર્ટિંગ એ એક પૂર્વગ્રહ સમાન છે. મહેરબાની કરીને ફરિયાદ પક્ષ અને આ કેસના તપાસ અધિકારીને એ વાત પૂછવામાં આવે કે, આરોપીને તહોમતનામાની નકલ મળ્યા પહેલા તે મીડિયામાં કઈ રીતે લીક થઈ ગઈ. મીડિયા એવું કહે છે કે, મે મારા કબૂલાતનામામાં એવો સ્વીકાર કર્યો છે કે, રમખાણોમાં મારી ભૂમિકા હતી, આવું કઈ રીતે બની શકે, તેમને કોઈ ભાન છે કે નહીં, કેમ કે, મે ચાર ઓકટોબરના રોજ પોલીસ કસ્ટડી દરમ્યાન કોઈપણ નિવેદન પર હસ્તારક્ષર કર્યા જ નથી, ત્યારે મીડિયા આ પ્રકારનું રિપોર્ટિંગ કઈ રીતે કરી શકે. હું એ વાતથી સારી રીતે વાકેફ છું કે, અદાલતમાં પોલીસ કસ્ટડીમાં નોંધાયેલ નિવેદન સ્વીકાર્ય નથી. પણ ઈરાદાપૂર્વક એક પ્રકારનો ભાગ મીડિયામાં લીક કરી નફરતપૂર્ણ રિપોર્ટિંગ અને સમાચારો ચલાવવામાં આવ્યા હતા.
Recent Comments