અંકલેશ્વર, તા.૪
ઝઘડીયા તાલુકાનાં ઉમલ્લા ગામ પાસે આવેલ આર.પી.એલ.કંપનીમાં ઉપરથી રોલ પડતા કંપનીમાં કામ કરતા બે કામદારોના કરૂણ મોત નીપજ્યાં હતા. કંપનીમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા વિજય મિસ્ત્રીએ ઉમલ્લા પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ તા.૩ના રોજ કંપનીમાં કામ કરતા બે કામદારો સુરેશ સોમા વસાવા અને રાકેશ રમેશ વસાવા બંને રહેવાસી ગામ વલા તા.ઝઘડીયા જિ.ભરૂચના બપોરનાં સમયે ગોડાઉનની અંદર ટાયર કોડ રોલની બાજુમાં આરામ કરતા હતા ત્યારે ટાયર કોડ રોલની ઉપર મુકેલ બીજો રોલ કોઇ આકસ્મિક કારણસર તેમની ઉપર પડ્યો હતો.દરમિયાન આ બંને કામદારોને ઇજાઓ થતા કંપનીનાં દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા,જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત થયુ હતુ. બાદમાં તેમના મૃતદેહોને ઉમલ્લા સરકારી દવાખાને પી.એમ માટે લઇ જવાયા હતા. ઉમલ્લા નજીકનાં વલા ગામના આ બે યુવકોનાં આકસ્મિક કરૂણ મોત નીપજતા સમગ્ર ગામમાં શોક ફેલાઇ જવા પામ્યો હતો.