(એજન્સી) શ્રીનગર, તા.ર
જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં પાકિસ્તાને કરેલા ફાયરિંગમાં ૨ સૈનિક શહીદ થયા છે. શુક્રવારે પાકિસ્તાને બારામૂલા જિલ્લાના ઉરી સેક્ટરમાં કારણ વિના ફાયરિંગ કર્યું હતું. ભારતીય સૈનિકોએ પાકિસ્તાનની આ હરકતનો જડબાતોડ જવાબ આપ્યો, પરંતુ પાક. ફાયરિંગમાં ચાર સૈનિક ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તેમને તાત્કાલિક જ નજીકના મિલિટ્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, શુક્રવારે મોડી સાંજે સારવાર દરમિયાન બે સૈનિકોએ જીવ ગુમાવ્યો. આ સૈનિકોની ઓળખ થઈ ગઈ છે. જેમાં એક હવાલદાર ગોકર્ણ સિંહ છે જ્યારે બીજા નાયક શંકર એસ.પી. હોસ્પિટલમાં જે બે સૈનિકોની સારવાર ચાલી રહી છે તેમના નામ હવાલદાર નારાયણસિંહ અને નાયક પ્રદીપભટ્ટ છે. સેનાના પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ કહ્યું કે, શુક્રવારે બપોરે લગભગ ૩ઃ૩૦ વાગે ર્ન્ઝ્ર નજીક રામપુર સેક્ટરમાં પાકિસ્તાને વિના કારણ ફાયરિંગ શરૂ કરી દીધી. આ દરમિયાન ત્રણ સૈનિક ઈજાગ્રસ્ત થઈ ગયા. અગાઉ પાકિસ્તાને કરેલા ફાયરિંગમાં ચાર લોકો ઘાયલ થયા હતા. પોલીસનું કહેવું છે કે, નાગરિક વિસ્તારોમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી ફાયરિંગથી લોકો દહેશતમાં આવી ગયા છે. પાકિસ્તાન તરફથી થયેલી ફાયરિંગમાં ચરૂડા, બટગ્રાન, હથલંગા, મોથલ, સહુરા, સિલિકોટ, બાલાકોટ, નામ્બલા અને ગરકોટ જેવા ગામ ચપેટમાં આવી ગયા હતા.