અમદાવાદ, તા.ર૯
ઉર્દૂ ભાષાના પ્રથમ હરોળના જાણીતા શાયર મોહંમદ અલવીનું આજે બપોરે ૪ વાગ્યે પાલડી ખાતેના તેમના નિવાસ સ્થાને દુઃખદ અવસાન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. આ શાયરનો જન્મ ૧૦ એપ્રિલ ૧૯ર૭ના રોજ અમદાવાદમાં થયો હતો, તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ અમદાવાદમાં તથા ઉચ્ચ શિક્ષણ દિલ્હીની જામિયા મીલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીમાં મેળવ્યું હતું. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ખાલી મકાન’ ઈ.સ. ૧૯૬૩માં પ્રગટ થયો હતો. તે પછી ‘આખરી દિન કી તલાશ’ ‘તીસરી કિતાબ’ અને ‘ચોથા આસમાન’ જેવા ગઝલ-નઝમ સંગ્રહો આપ્યા હતા. ગુજરાત રાજ્યની ઉર્દૂ સાહિત્ય અકાદમીએ તેમની સમગ્ર રચનાઓનો ગ્રંથ “રાત ઈધરઉધર રોશન” ૧૯૯પમાં પ્રકાશિત કર્યો હતો. તેમના ઉર્દૂ કાવ્યોનો ગુજરાતી અનુવાદ જાણીતા ગુજરાતી-ઉર્દૂ શાયર હનીફ સાહિલે ‘હવાના ટકોરા’ નામે ઈ.સ.ર૦૦૯માં પ્રકાશિત કર્યો છે.
તેમના પુસ્તક “ચોથા આસમાન”ને દિલ્હીની સાહિત્ય અકાદમી તરફથી ઈ.સ. ૧૯૯રના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. આ પુસ્તકનું હિન્દીમાં લિપ્યાંતર ઉર્દૂના મશહૂર શાયર શીન કાફ નિઝામે કર્યું હતું. તેમની ગઝલ સેવાને ધ્યાનમાં લઈને તેમને ઓલ ઈન્ડિયા અકાદમી એવોર્ડ, ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર અને દિલ્હીની ગાલિબ અકાદમી તરફથી ગાલિબ એવોર્ડ એનાયત થયો હતો.
તેમના અવસાનથી ઉર્દૂ ગઝલ અને નઝમના ક્ષેત્રે તેમની ખોટ સાલશે. તેમની કેટલીક રચનાઓના મિસરા નીચે મુજબ છે :
બરસો ઘીસા-પીટા હુઆ દરવાજા છોડકર
નીકલૂ ના ક્યૂં મકાન કી દિવાર તોડકર
અપની બહેન કે સાથ રહૂં તો અજાબ હૈં
મર જાઉંગા મૈં જાઉં અગર ઈસકો છોડકર
***
દિન એક કે બાદ એક ગુજરતા હુઆ ભી દેખ
ઈક દિન તું અપને આપ કો મરતે હુવે ભી દેખ
તારીફ સુન કે દોસ્તો સે ‘અલ્વી’ તુ ખુશ ના હો
ઉસ કો તેરી બુરાઈયાં કરતે હુવે ભી દેખ
***
ખુદા ને જો કુછ કહા હૈ, સચ હૈ, મગર ન જાને,
વો દિન કહા હૈ, વો આખરી દિન,
કિ જબ ખુદા યે તમામ ચીજેં સમેટ લેગા !
મુજે ઉસ દિન કી જૂસ્તજૂ હૈ, કિ અબ યે ચીજેં,
બહુત પુરાની, બહુત હી ફરસુદા હો ચૂકી હૈ.
ઉર્દૂના મશહુર ‘શાયર’ મોહંમદ અલવી અલ્લાહની રહેમતમાં

Recent Comments