નવી ગાઇડલાઇન્સ અનુસાર બિહારમાં માધ્યમિક શાળાઓમાં એક વૈકલ્પિક વિષય તરીકે ઉર્દૂ શીખવવામાં આવશે અને ૪૦ વિદ્યાર્થીઓ ઉર્દૂનો ભાષા તરીકે વિકલ્પ પસંદ કરશે ત્યારબાદ જ ઉર્દૂ શિક્ષકની શાળામાં નિમણૂંક કરાશે

(એજન્સી)              તા.૧૬

બિહારના શિક્ષણ વિભાગે બિહાર સ્કૂલ એક્ઝામિનેશન બોર્ડના અભ્યાસક્રમના નિયમિત વિષય તરીકે ઉર્દૂ ભાષાના દરજ્જાને નાબૂદ કર્યો છે. તેની નવી ગાઇડલાઇન્સ અનુસાર હવે ઉર્દૂ માધ્યમિક શાળાઓમાં એક વૈકલ્પિક વિષય તરીકે શીખવવામાં આવશે અને જો ૪૦ વિદ્યાર્થીઓ જ ઉર્દૂ ભાષાની વિષય તરીકે પસંદગી કરશે તો જ શાળામાં ઉર્દૂ શિક્ષકની નિમણૂંક કરવામાં આવશે.                 અગાઉ હિંદી, ઉર્દૂ અને અન્ય ભાષાઓને માતૃભાષા તરીકે ગણવામાં આવતી હતી અને પ્રત્યેક માતૃભાષાના શિક્ષકની શાળામાં નિમણૂંક થતી હતી. આ ઉપરાંત કેટલીક ચોક્કસ સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ વિષય પસંદ કરવો પડશે એવી શરત માતૃભાષાના શિક્ષણની નિમણૂંકને લાગુ પડતી ન હતી એવું જામિયા મિલ્લિયા ઇસ્લામિયાના ઉર્દૂ વિભાગના આસિસ્ટન્ટ પ્રો.ડો.ખલીદ મુબાસીરે જણાવ્યું હતું.         જો કે બિહારમાં તમામ શિક્ષણ અધિકારીઓને ઇસ્યૂ કરવામાં આવેલ જાહેરનામામાં રાજ્યના શિક્ષણ વિભાગે જણાવ્યું હતું કે હિંદી સહિત છ વિષયો માટે પ્રત્યેક માધ્યમિક શાળામાં શિક્ષકોની નિમણૂંક થવી જોઇએ. આ ઉપરાંત જો ૪૦ વિદ્યાર્થીઓ વિષય તરીકે પસંદ કરે તો બીજી ભાષાના શિક્ષકની નિમણૂંક થવી જોઇએ. ત્યાર બાદ બીજા પરિપત્રમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ઉર્દૂને બીજી ભાષા ગણવામાં આવશે અને તેથી ૪૦ વિદ્યાર્થીઓ જો તેની વિષય તરીકે પસંદગી કરશે તો જ તેના શિક્ષકની નિમણૂંક કરાશે.                પ્રો.મુબાસીરે જણાવ્યું હતું કે ફારસી અને અન્ય ભાષાઓની જેમ ઉર્દૂને ખતમ કરવા માટે આ દુઃખદ નિયમો ઘડવામાં આવ્યાં છે. તેમણે શિક્ષણ વિભાગના આ ઠરાવને પાછો ખેંચવા માટે અવાજ બુલંદ બનાવવા લોકોને અપીલ કરી હતી.